વડોદરા, તા.૨૩ 

જિલ્લા એસ.ઓ.જી. ટીમે વડોદરા-ડભોઇ રોડ પરના ભીલાપુર ખાતેથી ૩ લાખના નાર્કોટીક્સ ડ્રગ્સ પાવડર સાથે વર્ના કારને ઝડપી પાડી હતી. પકડાયેલા કાર ચાલકની ધરપકડ કરી પોલીસે ડ્રગ્સ જથ્થા સહિત પાંચ લાખની મત્તા કબજે કરી ડભોઇ પો.સ્ટે.માં બે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 


ગ્રામ્ય એસ.ઓ.જી.ને ગત રોજ બાતમી મળેલી કે વડોદરાથી ડભોઇ જનાર સિલ્વર કલરની વર્ના કારમાં નાર્કોટીક્સ ડ્રગ્સનો જથ્થો જવાનો છે. પોલીસે ગત રોજ ઢળતી બપોરે વડોદરા-ડભોઇ રોડ પરના ભીલાપુર ગામ પાસેની માહિ કાઠીયાવાડી હોટલ સામે વોચ ગોઠવી વાહન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકી હતી અને ડ્રાઇવર વિજય રણજીત પઢિયાર (જાસપુર ગામ તા.પાદરા)ને કારમાંથી ઉતારી સાથે સાખી કારમાં તપાસ કરતા પાછલી સીટ પરથી મીણીયા સફેદ થેલો મળી આવ્યો હતો. થેલો ખોલીને જાતા તેમાં સફેદ પાવડર ભરેલી બે કોથળીઓ મળી આવી હતી. આ અંગે પકડાયેલ કાર ચાલક વિજયને પુછતાં આ શું છે તેની ખબર નથી પરંતુ પાદરાના ઉમરાયા ગામનો કલ્પેશ દિલીપ પઢિયારે વેંચાણ માટે આપેલ હોવાનું કબુલ્યું હતું. પોલીસે એફ.એસ.એલની ટીમને બોલાવી તપાસ કરાવતા આ સફેદ પાવડર બેઝીક આલ્કલોઇડ સબસ્ટન્સ (નાર્કોટીક્સ ડ્રગ્સ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ૧૭.૨૮૦ કિ.ગ્રામ ડ્રગ્સ કિ.રૂ.૩,૪૫,૬૦૦નો જથ્થો કબજે કરી પાંચ હજારનો મોબાઇલ અને ૧.૫૦ લાખની કાર મળીને કુલ ૫,૦૦,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ કલ્પેશ પઢિયાર અને પકડાયેલ વિજય પઢિયાર મળી બે વિરૂદ્ધ ડભોઇ પો.સ્ટે.માં ગુનો નોંધી કાર્યાવહી હાથ ધરી છે.