ગોધરા, તા.ર૩ 

પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલે આગામી ગણેશોત્સવના આયોજન સંદર્ભે ગણેશ મંડળોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરએ બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા અનલોક-૦૨ સંદર્ભે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કોઈપણ પ્રકારના સામાજિક, ધાર્મિક, રાજકીય જાહેર કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ છે ત્યારે જિલ્લામાં આગામી ગણેશોત્સવની જાહેર ઉજવણી કરી શકાશે નહીં. જિલ્લામાં ૩૫૦ કરતા વધુ કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે ત્યારે સાવચેતીના પગલાઓનું ચુસ્ત પાલન અનિવાર્ય બન્યું છે તેમ જણાવતા કલેક્ટરએ કોરોના આફતના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષનો ગણેશોત્સવ પોતાના પરિવારજનો સાથે ઘરે જ ઉજવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારશ્રીએ જાહેર કરેલ નિયમો અનુસાર વિસર્જન માટે શોભાયાત્રા કે જાહેર સ્થળોએ પંડાલોનું આયોજન કરી શકાશે નહીં. ભાવિકજનોને પોતાના ઘરે જ ગણેશ સ્થાપના અને વિસર્જન કરવા જિલ્લા સમાહર્તાએ અનુરોધ કર્યો હતો. આ બાબતે સામાન્યજનોને પણ જાગરૂક કરી તેમને સંક્રમણ સામે સુરક્ષિત કરવા તેમજ કોરોના સામે સરકારની લડતમાં યોગદાન આપવા અરોરાએ ઉપસ્થિત પ્રતિનિધીઓને અપીલ કરી હતી. જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલે જણાવ્યું હતું કે કોરોના કટોકટીના સંદર્ભમાં સરકાર દ્વારા અનલોક-૦૨ની ગાઈડલાઈન પ્રમાણે સંક્રમણનું જોખમ ટાળવા દરેક પ્રકારના મેળાવડાઓના આયોજન પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. લોક ડાઉન દરમિયાન મળેલા અને અનલોકના તબક્કાઓ દરમિયાન મળી રહેલા કેસોની સંખ્યાના તફાવતનો ઉલ્લેખ કરતા તેમણે સંક્રમણનું જોખમ વધ્યું છે ત્યારે સરકારના આદેશ પ્રમાણે ઉત્સવોની જાહેર ઉજવણી કરી શકાય તેમ નથી તેમ ઉમેર્યું હતું.