વડોદરા

કારેલીબાગ વિસ્તારમાં આવેલા એકનાથ મહાદેવ મંદિરવાળી જગ્યાના કબજાના મુદ્દે મંદિરના ટ્રસ્ટીઓ અને આ જગ્યા પર કાચુ ઝુપડુ બાંધીને રહેતા મુસ્લીમ યુવક વચ્ચે વિવાદ થતા આ મામલો કારેલીબાગ પોલીસ મથકમાં પહોંચ્યો છે. બંને પક્ષે સામસામે આક્ષેપો સાથે અરજીઓ થતા પોલીસે બંને પક્ષોને જમીનના કાગળો લઈને આવવા માટે સુચના આપી છે.

મળતી વિગતો મુજબ કારેલીબાગ પાણીની ટાંકીથી કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ જવાના રસ્તા વચ્ચે મેદાનમાં ૭૫ વર્ષ જુનુ એકનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરની આસપાસ લાંબા સમયથી મહાનગર સેવાસદન દ્વારા માટી-છારુ સહિતનો કચરો ઠાલવવામાં આવે છે અને અન્ય લોકો દ્વારા પણ ગંદકી ફેલાવવામાં આવે છે. આ જમીન અને મંદિર ટ્રસ્ટનું હોઈ ટ્રસ્ટીઓ દ્વારા જમીનની સાફસફાઈની કામગીરી હાથ ધરાઈ હતી. દરમિયાન આ જમીન પર કાચુ ઝુપડુ બાંધીને રહેતો અને ટ્રસ્ટીઓ દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ અસામાજિક પ્રવૃત્તીઓ કરતા શેખ ફતેમહંમદ ઉસ્માનભાઈ (ઈન્દિરાનગ બ્રિજ પાસે)એ ટ્રસ્ટીઓને જણાવ્યું હતું કે આ જમીન મારી છે અને આ જમીન પર કોઈએ આવવું નહી, નહી તો આવનારને જાનથી મારી નાખીશ.

મારી નાખવાની ધમકી આપી તેમજ જમીન પર કામગીરી કરવા આવેલા લોકોને હેરાન પરેશાન કરતા આજે મંદિર-જગ્યાના ટ્રસ્ટીઓએ શેખ ફતેમહંમદ વિરુધ્ધ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી. મળતી વિગતો મુજબ ફતેમહંમદે એક વર્ષ અગાઉ પણ આ રીતે ધમકી આપી એક ટ્રસ્ટી પર હુમલો કરીને ફ્રેકચર થાય તેવી ઈજા પહોંચાડી હતી. તે નશીલા પદાર્થોના વેંચાણ અને સેવન કરતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. ટ્રસ્ટીઓએ દ્વારા આ મુદ્દે પોલીસ કમિશ્નરને પણ રજુઆત કરવા માટે જનાર હોવાની વિગતો સાંપડી છે.

બીજીતરફ બે કોમના રહીશો વચ્ચે ચાલતા જમીન વિવાદ સંદર્ભે કારેલીબાગ પોલીસ મથકના પીઆઈ આર એ જાડેજાએ જણાવ્યું હતું કે આ જમીનના કબજાના મુદ્દે ત્રણ વર્ષથી વધુ સમયથી વિવાદ છે.

આ બનાવમાં ટ્રસ્ટીઓ સામે ફતેમહંમદે પણ અરજી કરી જણાવ્યું છે કે જમીનની સાફસફાઈ થાય તેમાં વાંધો નથી પરંતું સફાઈકામની આડમાં જેસીબી દ્વારા મારુ ઝુપડુ દુર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બનાવમાં બંને પક્ષો દ્વારા જમીન માલિકીનો દાવો થતો હોઈ પોલીસે ફરિયાદ નોંધતા પહેલા બંને પક્ષોને જમીન માલિકીને લગતા કાગળો-પુરાવા રજુ કરવા માટે જાણ કરી છે.