વડોદરા, તા.૧૪

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા જંક્શનો ખાસ કરીને શહેરમાં નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારોમાં નવિન ટ્રાફિક સિગ્નલો ઉભા કરવા ઉપરાંત જૂના ટ્રાફિક સિગ્નલોને અપગ્રેડ કરવાની કામગીરી તેમજ પાંચ વર્ષના કોમ્પ્રિહેન્સિવ મેન્ટેનન્સનું કામ રૂા.૧૨.૩૪ કરોડના ખર્ચે કરવામાં આવશે. સ્થાયી સમિતિમાં આ અંગેની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં ઉત્તરોત્તર ટ્રાફીકની સમસ્યા વધતી જાય છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે. ત્યારે શહેરમાં રસ્તા મોટા અને પહોળા કરવાની સાથે ટ્રાફિક નિયમન યોગ્ય રીતે થાય તે પણ જરૂરી છે. વડોદરા શહેરનો વિસ્તાર પાછલા કેટલાક વર્ષોમાં વધ્યો છે. નવા સમાવિષ્ટ થયેલાં વિસ્તારોમાં પણ નવા પહોળા રોડ બનાવાઈ રહ્યા છે. ત્યારે નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારો ઉપરાંત હાલ એવા કેટલાક વિસ્તારો છે. જ્યાં ટ્રાફિક વધુ હોય છે, પરંતુ ત્યાં હાલ ટ્રાફિક સિગ્નલ નથી, તેવા વિસ્તારો ઉપરાંત શહેરમાં જે જૂના ટ્રાફિક સિગ્નલો છે તેને અપગ્રેડ કરવાની જરૂરીયાતને ધ્યાને લઈને પાલિકા દ્વારા શહેરના જુદા જુદા ટ્રાફિક જંક્શનો પર નવિન ટ્રાફિક સિગ્નલો ઉભા કરવા અને જૂના ટ્રાફિક સિગ્નલોને અપગ્રેડ કરવાનું કામ તેમજ પાંચ વર્ષ માટે કોમ્પ્રિહેન્સિવ મેન્ટેનન્સ કરવાના કામે અંદજિત રકમ રૂા.૧૩.૨૬ કરોડના કામે ભાવપત્રો મગાવવામાં આવ્યા હતા. જાેકે, ચોથી વખત જાહેરાત ઇ-ટેન્ડરિંગથી આપવામાં આવતા પ્રિક્વોલિફિકેશન બીડની ચકાસણીમાં ત્રણ ઈજારદારો ક્વોલીફાય થયા હતા.

જેમાં લોએસ્ટ ઈજારદાર મેે.સ. સીએમએસ કમ્પ્યૂટર્સ લિમિટેડને ભાવઘટાડો કરવા જણાવતા તેમણે ભાવમાં ઘટાડો કરીને રૂા.૧૨.૩૪ કરોડના ખર્ચે આ કામગીરી કરવા માટે સંમતિ આપી હતી. આમ શહેરના જુદા જુદા જંક્શનો પર ટ્રાફિક સિગ્નલો ઉભા કરવા તેમજ જુના ટ્રાફિક સિગ્નલોને અપગ્રેડ કરવા માટે રૂા.૧૨.૩૪ કરોડના ભાવપત્રને મંજૂરી આપવા દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. આગામી સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવશે.

એડેક્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ સાથેના સિગ્નલો મૂકાશે

વડોદરા કોર્પોરેશન દ્વારા હવે જે સિગ્નલો ઉભા કરવામાં આવનાર છે. તે એટીસીએસ એટલે એડેક્ટિવ કંટ્રોલ સિસ્ટમ સાથેના હશે, એટલે સિગ્નલમાં કેમેરો હોય છે. જે જે-તે સિગ્નલ પર વ્હિકલોની મૂવમેન્ટનું મોનિટરિંગ કરશે અને તે સિગ્નલ પર વ્હિકલ મૂવમેન્ટ સ્કેન કરીને ઓટોમેટિક ટાઈમર સેટ કરશે. એટલે કોઈ સિગ્નલ પર કદાચ એક તરફ વ્હિકલ મૂવમેન્ટ ઓછી છે. અને બીજી તરફ વધુ છે તો વધુ વાહનો છે. તે સાઈડનો સિગ્નલ તુરંત ગ્રીન થશે. જેથી વાહન ચાલકોને વધારે સમય ઊભૂં રહેવું નહીં પડે.

ઈલ્યુમિનેટેડ પોલ મૂકાશે, જેથી દૂરથી સિગ્નલ જાેઈ શકાશે

નવા સિગ્નલો ઉભા કરવાની સાથે સિગ્નલોને અપગ્રેડ કરવાનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે.ત્યારે કોઈ મેઈન રોડ પર દૂર થી પણ સિગ્નલ ગ્રીન છે કે રેડ તે જાેઈ શકાય તે માટે ઈલ્યુમિનેટેડ સિગ્નલના પોલ ઉભા કરવામાં આવશે.ઈલ્યુમિનિટેડ પોલ એટલે જંક્શનનો આખો પોલજ રેડ,ગ્રીન કે યલ્લો કલરનો દેખાય પોલની અંદરજ તે પ્રકારની લાઈટની વ્યવસ્થા હશે.

વિવિધ વિસ્તારમાં નવા ૨૮ સિગ્નલો ઉભા કરાશે

વડોદરા શહેરમાં નવા વિસ્તારોનો ઉમેરો થયો છે.ખાસ કરીને ભાયલી, સેવાસી સહિત વિસ્તારોમાં આવેલા મુખ્ય માર્ગે પર ટ્રાફિકની ભારે અવર-જવર હોય છે. આ વિસ્તારોમાં મોટા ચાર રસ્તાઓ પણ આવેલા છે.ત્યારે આવા નવા સમાવિષ્ટ વિસ્તારોમાં મુખ્ય રોડ તેમજ જૂના કેટલાક વિસ્તારો જ્યાં હાલ ટ્રાફિકના સિગ્નલ મૂકવાની જરૂરિયાત ઉભી થઈ છે. તેવા ૨૮ જેટલા વિસ્તારોમાં નવા સિગ્નલો ઉભા કરવામાં આવશે, તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતંુ.