ગાંધીનગર-

દેશભરમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે અને ભગવાન ગણેશની પ્રતિમાનું સ્થાપન થઇ રહ્યું છે તે સમયે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજભવન ખાતે ભગવાન ગણેશની સ્થાપના કરીને તેમની પૂજા-અર્ચના કરી હતી અને કર્ણાટકની તથા સમગ્ર દેશની સુખાકારીની આ વિઘ્નહર્તા દેવ પાસે પ્રાર્થના કરી હતી. તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગાંધીનગરમાં સીએમ આવાસ ખાતે ગણપતિ સ્થાપન કર્યું હતું. કોરોનાના સમયમાં હાલ સાર્વજનિક ગણેશ ઉત્સવ યોજી શકાય તેમ નથી અને મુખ્યમંત્રીએ તમામ લોકોને પોતાના આવાસમાં જ ગણપતિ સ્થાપન કરીને પૂજન માટે આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને ગણપતિ સ્થાન સમયે અભિનવ વિચાર આપતાં પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશનો મંત્ર આપ્યો હતો અને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું સંવર્ધન કરે તો આપણા અનેક વિઘ્નો આપમેળે દૂર થઇ જશે. મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાને માટીના ગણપતિની સ્થાપના કરી છે જેથી પર્યાવરણની દ્રષ્ટિએ પણ તે એક અનોખુ કદમ બની રહેશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગણેશચર્તુથી તથા સંવત્સરીની શુભકામના પાઠવી હતી. આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે અને સંવત્સરીનું પાવન પર્વ પણ છે તે પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ સર્વને સંવત્સરી પાવન પર્વની ગુજરાતને શુભેચ્છા પાઠવી છે તો ગણપતિ મહોત્સવમાં પણ તેઓએ લોકોને આ વિઘ્નહર્તા દેવ પાસે કોરોના કાળ ખત્મ થાય તેવી પ્રાર્થના કરવા જણાવ્યું છે.