વડોદરા : વડોદરામાં એક તરફ ઓક્સિજનની અછત સર્જાઈ છે ત્યાં સતત બીજા દિવસે નવલખી સ્થિત ઓક્સિજન રિફિલિંગ સ્ટેશન ખાતે બપોરના સમયે ઓક્સિજનનો જથ્થો ખૂટી પડયો હતો. જેથી ઓક્સિજન લેવા માટે ખાનગી હોસ્પિટલોના ૮ થી ૧૦ ટેમ્પોને રાહ જાેવી પડી હતી.

શહેરમાં ઓક્સિજનનો જથ્થો જળવાઈ રહે તે માટે નવલખી મેદાન ખાતે ઓક્સિજન રિફિલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જ્યાંથી ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનનું વિતરણ કરવામાં આવે છે. ગઈકાલે ઓક્સિજનનું ટેન્કર આવવામાં મોડું થતાં ખાનગી હોસ્પિટલોના ટેમ્પોને કલાકો સુધી રાહ જાેવી પડી હતી. આજે સતત બીજા દિવસે બપોરના સમયે નવલખી રિફિલિંગ સ્ટેશન ખાતે ઓક્સિજન ખૂટયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સવારે એક ટેન્કર આવી હતી જેમાં ૪ મેટ્રિક ટન હાલોલ લઈ ગયા હતા. જ્યારે બીજાે વડોદરાની ખાનગી હોસ્પિટલને રિફિલિંગ કરાયો હતો. પરંતુ બપોરે આ જથ્થો ખાલી થઈ ગયો હતો. જેથી હોસ્પિટલોના ૮ થી ૧૦ વાહનો ઓક્સિજનની રાહ જાેઈને કલાકો સુધી ઊભા રહેવું પડયું હતું. જાે કે, રાત્રે ૮ વાગે ટેન્કર આવતાં ઓક્સિજન રિફિલિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે રાત્રે બીજી ગાડી આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓક્સિજનના જથ્થાને લઈને કેટલીક ખાનગી હોસ્પિટલોમાંથી છેલ્લા બે ત્રણ દિવસથી દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં શિફટ કરવાની ફરજ પડી રહી છે. વડોદરામાં ૧૭૫ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત સામે ૧૫૫ થી ૧૬૦ મેટ્રિક ટન રોજ મળી રહ્યો છે.