વડોદરા : રૂપિયા ૨૬૫૪ કરોડના બેંક લોન કૌભાંડી ભટનાગર પરિવારની મહિલાઓ પણ સીબીઆઇની ફરિયાદમાં આરોપી બન્યા છે ત્યારે પ્રજાના પૈસે બિલ્ડર બની બેઠેલા અમિત ભટનાગરની મેફેર રીયાલીટીના ૮ જેટલા પ્રોજેક્ટમાં આ મહિલાઓના નામે જ સ્કીમો હોવાથી એમાં મકાન, ફ્લેટ લેનાર કે રોકાણ કરનારાઓના જીવ હવે તાળવે ચોંટી ગયા છે. કરોડો રૂપિયા ખર્ચી લીધેલા મેફેરના આ પ્રોજેક્ટ પૈકી કેટલાક ઉપરતો ઇ.ડી.નું એટેચમેન્ટ પણ હોવાથી રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 

બેંકોના અધિકારીઓ સાથે મળી જઇ બનાવટી કાગળો બનાવી ખોટો સ્ટોક બતાવી લીધેલી કરોડો રૂપિયાની લોનના કૌભાંડમાં ભટનાગર ત્રીપુટી એટલે કે અમીત, સુમીત અને પિતા સુરેશ ભટનાગર ઉપર અગાઉ સી.બી.આઇ.ની ફરિયાદ બાદ ત્રણેયને જેલની હવા ખાવી પડી હતી. એ ઉપરાંત રાષ્ટ્રીય ક્રુત બેંકોના ડાયરેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓએ પણ જેલવાસ ભોગવ્યો હતો.

બિલ્ડર બન્યા બાદ ચોક્કસ રણનીતીના ભાગરૂપે મેફેર રીયાલીટીના નામે શહેરના વિવિધ સ્થળો ઉપર, મેફેર સ્પેસ, મેફેર અટી રીયમ, મેફેર સ્પેસ, મેફેર ટ્‌વીન ટાવર, મેફેર મેરેડીયન, નોર્થવે ધ એડ્રેસનામની વૈભવી સ્કીમો મુકી હતી. જેમાં ભટનાગર પરિવારની મહિલાઓના ડાયરેક્ટર બનાવી પ્રોજેક્ટ મુકાયા હતાં. નોટબંધી દરમિયાન શહેરના કેટલાય ઉદ્યોગપતી તબીબો અને બે નંબરીયાઓ પાસેથી જુની નોટોના બદલામાં ભટનાગરે ફ્લેટ વેંચ્યા હતાં અને એના દસ્તાવેજ થાય એ પહિલા જ લોન કૌભાંડનો ફુગ્ગો ફુટી જતા દસ્તાવેજની કાર્યવાહી અટકી પડી હતી અને બાદમાં એ બધી મીલ્કતો ઉપર ઇ.ડી.એ એટેચમેન્ટ લગાવી દીધું હતું. હવે આ સ્કીમોમાં મકાન, ફ્લેટ લેનારાઓના લોનના હપ્તા પણ ચાલુ થઇ ગયા છે ત્યારે મધુરીલતા, મોના અને રીચા ભટનાગર પણ આરોપી બનતા એમને સીબીઆઇ પકડશે અને જેલમાં પણ જવાનો વારો આવે એવી શક્યતાઓને લઇ મકાન લેનારાઓમાં ગભરાટ ફેલાયો છે.