પાવીજેતપુર 

પાવીજેતપુર તાલુકા ના અણિયાદ્રી ગામે ભેંસા કોતરમાં એક યુવાન તણાતા કરૂણ મોત થયું હતં. પાવીજેતપુર તાલુકાના અણિયાદ્રી ગામે ભક્તિ ફળિયામાં રહેતા નરસિંહભાઇ મળુભાઈ ( ૩૭ વર્ષ ) સાંજના સમયે ૬ વાગ્યાના અરસામાં ઘરેથી ઘરનો સામાન લેવા માટે ગામ તરફ જઇ રહ્યા હોય ત્યારે રસ્તામાં આવતા ભેંસા કોતરમાં થોડું પાણી હોય ત્રણ વ્યક્તિઓ એક સાથે ઉતર્યા હતા. કોઝવે ઉપર એકાએક પાણીનો પ્રવાહ વધી જતાં ત્રણેય ઇસમો તણાઈ ગયા હતા. જેમાં બે વ્યક્તિઓ તરવાનું સારું જાણતા હોય તેથી તરીને બહાર નીકળી ગયા હતા. જ્યારે નરસિંહભાઈ રાઠવા વધુ તરી ન શકતા પાણીના પ્રવાહમાં તણાઈ આગળ વહી જતાં કરુણ મોત થયું હતું. બુમાબુમ થતાં આજુબાજુના રહીશો સ્થળ ઉપર દોડી આવી શોધખોળ આરંભી હતી પરંતુ નરસિંહભાઈનો કોઈ પતો લાગ્યો ન હતો. પાવી જેતપુર મામલતદાર પોતાના સ્ટાફ સાથે સ્થળ ઉપર સાંજે પહોંચ્યા હતા તપાસ કરવા છતાં કોઈ પત્તો મળ્યો ન હતો બીજા દિવસે છોટાઉદેપુર નગરપાલિકાના તરવૈયાની ટીમને બોલાવી શોધખોળ આરંભી હતી. ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ ૧૦૦ મીટર દૂરથી પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા નરસિંહભાઇ મળુંભાઈ રાઠવાની લાશ બપોરે સાડા બારની આસપાસ મળી હતી.