ગાંધીનગર-

આજે ગુજરાતને વિકાસની માળાભેટ મળી છે. કોરોનાકાળમાં વિશ્વભરમાં આર્થિક ગતિવિધિઓ સ્થગતિ થયા હતા. 'ન ઝૂકના, ન રૂકના' એ મંત્રથી ભારતે વિકાસની આર્થિક ગતિવિધિઓ યથાવત રાખી હતી. ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ બનાવવામાં વડાપ્રધાનનો સિંહફાળો રહ્યો છે. તેમના કારણે જ ગુજરાતના વિકાસની તુલના માત્ર અન્ય રાજ્યો સાથે નહિ પરંતુ વિકસિત દેશો સાથે થાય છે. ગુજરાત સૌથી વધુ FDI મેળવનારુ રાજ્ય, જેની પાછળ વડાપ્રધાન મોદીનો હાથ છે. ગાંધીનગર વર્ષોથી રેલવેથી વંચિત હતું, ગાંધીનગરની ગરિમા વધારવા આધુનિક રેલવે સ્ટેશન ભેટ આપ્યું છે. રેલવે માટે ગુજરાતને વર્ષોથી અન્યાય થતો રહ્યો છે. આ વિકાસ કાર્યો વિશ્વસ્તરે ગુજરાતને નામના અપાવશે.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદી આ સ્ટેશનનું લોકાર્પણ કરશે. કાર્યક્રમમાં ગૃહમંત્રી શાહ સીએમ રૂપાણી અને રેલવે મંત્રી વૈષ્ણવ, રાજ્ય રેલવે મંત્રી જરદોશ, તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે. આ રેલવે સ્ટેશન સાથે 250 ફૂટ ઉંચી ફાઇવ સ્ટાર હોટલ પણ તૈયાર કરવામાં આવી છે જેમાં 318 રૂમ બનાવવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલી આ હોટલ ખૂબ ઉપયોગી થશે. હોટલની સામે જ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર છે. નવા રેલવે સ્ટેશનમાં યાત્રીઓ માટે એરપોર્ટ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં બે એસ્કેલેટર, ત્રણ લીફ્ટ, અને પ્લેટફોર્મને જોડતા બે અન્ડરગ્રાઉન્ડ સબ-વે પણ છે. આ સ્ટેશન દિવ્યાંગ ફ્રેન્ડલી સ્ટેશન છે તેમના માટે જરૂરી રેમ્પ, વિશેષ ટિકિટ કાઉન્ટ, અલગથી પાર્કિગ વગેરે સુવિધાઓ આપવામાં આવી છે.