વડોદરા : ઓફિસમાં કામ કરતી યુવતીએ ગોત્રી પોલીસ મથકે ઓફિસના સંચાલક સામે નોંધાવેલી બળાત્કારની ફરિયાદમાં હાઈકોર્ટે વડોદરા પોલીસની શંકાસ્પદ કામગીરીને ધ્યાનમાં રાખીને આરોપીને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. કેટલાક સ્થાપિતો સાથે મળી જઈ પોલીસે ઊભી કરેલી મનાતી અને શરૂઆતથી જ ખોટી ફરિયાદ હોવાનું માનવામાં આવતું હતું, ત્યારે વડીઅદાલત દ્વારા જામીનઅરજી અંગે વડોદરા પોલીસને નોટિસ સુધ્ધાં નહીં બજાવી આરોપીને જામીન ઉપર મુક્ત કરવાનો ભાગ્યે જ બનતો બનાવ નોંધાતાં બળાત્કારની ફરિયાદ જ શંકાસ્પદ હોવાની વાતને સમર્થન મળ્યું છે. 

બોગસ માર્કશિટના વ્યવસાયમાં કરોડો રૂપિયા કમાયા બાદ પોતાની ડિમ્ડ યુનિવર્સિટીઓ ઊભી કરી અઢળક કમાણીના હિસાબમાં ઠગટોળકી વિક્કી સરદાર, જિતુ યાદવ અને વિજય અગ્રવાલ વચ્ચે થયેલા હિસાબના વિવાદમાં વિક્કી સરદારે પોતાની વગનો ઉપયોગ કર્યો હતો અને વિજય અગ્રવાલને ક્રાઈમ બ્રાન્ચમાં તા.૯મીએ ઊંચકી જઈ સતત બે દિવસ સુધી ધમકાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં પહેલાં તો ખુદ અધિકારીઓએ વિજય અગ્રવાલને વિક્કી સાથેની ભાગીદારી છૂટી કરવાનું લખાણ કરી આપવા માટે ધમકાવ્યો હતો, જેનો વિજયે ઈન્કાર કરતાં રાત્રિના સમયે રજનીશ વાલિયા નામના ઈસમે આવી બે કરોડ રૂપિયા તાત્કાલિક આપી દે, નહીં તો તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશ એવી ધમકી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં બનેલી આ ઘટના બાદ ગોત્રી ખાતે રહસ્યમય સંજાેગોમાં બળાત્કારની ફરિયાદ દાખલ થઈ હતી જેમાં વિજય અગ્રવાલની ઓફિસમાં કામ કરતી યુવતીએ દોઢ વર્ષ અગાઉ ગોવામાં થયેલા કહેવાતા દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફિલ્મી પ્લોટની જેમ જ ઘડાયેલી આ આખી યોજના મુજબ ૧૧મી તારીખે વિજય અગ્રવાલની ધરપકડ ગોત્રી પોલીસે કરી હોવાનું જાહેર કર્યું હતું. ખરેખર તો ૯મી તારીખથી જ વિજય અગ્રવાલ ક્રાઈમ બ્રાન્ચના કબજામાં હતો. ત્યાર બાદ એના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી ગોવા વિમાન મારફતે લઈ જવાયો હતો, જેની પણ પૂર્વમંજૂરી ગોત્રી પોલીસે લીધી નહીં હોવાથી વિવાદ થયો હતો. બરાબર એક મહિનો જેલમાં વિતાવ્યા બાદ આજરોજ હાઈકોર્ટમાં થયેલી રેગ્યુલર જામીનઅરજીમાં વિજય તરફે વકીલ યોગેશ લાખાણી અને હિતેશ ગુપ્તાની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસની ફરિયાદમાં શંકાસ્પદ કાર્યવાહી લાગતાં આરોપી વિજય અગ્રવાલને શરતોના આધારે જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

પુરસીસમાં પોલીસના કરતૂતો વિગતો મુકાઈ

વડોદરા. આરોપીના વકીલે હાઈકોર્ટમાં રજૂ કરેલી પુરસીસમાં વડોદરા પોલીસના કરતૂતો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી જે જાેઈ અદાલત પણ ચોંકી ઊઠી હતી. જેમાં ડીસીબી પોલીસે ૧૦ તારીખે જ ઉઠાવી લીધો હોવા ઉપરાંત ભાગીદાર સુખપાલ સિંગ વાલિયા ઉર્ફે વિક્કી દ્વારા દબાણ રજનીશની ધમકી ઉપરાંત બળાત્કારના કેસમાં ફસાવી દેવાના ષડ્‌યંત્રની વિગતવાર માહિતી પુરસીસમાં અપાઈ હતી.

વોટ્‌સએપ ચેટને હાઈકોર્ટે ગંભીરતાથી લીધી

બળાત્કારની બોગસ મનાતી ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં વકીલ હિતેશ ગુપ્તાએ હાઈકોર્ટમાં રજૂ કરેલા વોટ્‌સએપ મેસેજની ટ્રાન્સસ્ક્રીપ્ટના આધારે હાઈકોર્ટે આ બળાત્કાર નહીં પણ બીજા જ સંબંધો હોવાનું અવલોકન કર્યું હતું, જેના આધારે આરોપી વિજય અગ્રવાલને જામીન પર મુક્ત કરાયો હોવાનું માનવામાં આવે છે.