વડોદરા : લીવ ઈન રિલેશનશિપમાં એક જ છત નીચે રહી અવારનવાર થતા ગૃહકંકાસથી ત્રાસીસ જઈને ૪ જૂનના રોજ પત્નીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની લાશને મિત્રની મદદથી અવાવરુ સ્થળે સળગાવી દીધી હોવાની તત્કાલીન પીઆઈ અજય દેસાઈની કબૂલાતના પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યાના આરોપમાં પીઆઈ અજય દેસાઈ અને પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ આ ગુનામાં સાંયોગિક પુરાવાઓ તેમજ અન્ય તપાસ માટે પોલીસે બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરીને કરજણની કોર્ટમાંથી ૧૦ દિવસના રીમાન્ડ મેળવ્યા છે.

આણંદ જિલ્લાના પણસોરા ગામમાં રહેતા જયદીપ મહેન્દ્રભાઈ પટેલ કરજણ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી બહેન સ્વિટી પટેલ (ઉં.વ.૩૭) ૨૦૧૭માં આરોપી અજય અમૃતભાઈ દેસાઈ સાથે રૂપાલ વરદાયિની માતાના મંદિરમાં ફૂલહાર કરી પ્રેમલગ્ન કર્યાં હતાં. તેમને સંતાનમાં દીકરો અંશ (ઉં.વ.ર) છે. અજય દેસાઈના બીજા લગ્નને લઈને મારી બહેન અને અજય દેસાઈ વચ્ચે ગત તા.૪-૭-૨૦૨૧ની રાત્રે ૯ વાગે ઝઘડો થયો હતો. જેમાં ગૃહકંકાસથી ત્રાસીને અજય દેસાઈએ પત્ની સ્વિટીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં લાશને મકાનના ઉપરના બેડરૂમમાં આખી રાત રાખી બીજા દિવસે સવારે લાશને કારમાં મુકી હતી અને મને ફોનથી સ્વિટી ગુમ થયા અંગેની અજય દેસાઈએ જાણ કરી હતી.

ત્યાર બાદ અજય દેસાઈએ લાશને મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદથી દહેજના અટાલી ગામ ખાતે બંધ પડેલી હોટલ પર લઈ ગયા હતા, જ્યાં હોટલના પાછળના ભાગે લાશને લાકડાં અને ગાડીના ફયુઅલથી સળગાવી દઈ લાશનો નિકાલ કર્યો હતો. જે ફરિયાદના આધારે કરજણ પોલીસે હત્યાના ગુનામાં અજય દેસાઈ અને પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. જાેક ે, બંને આરોપીઓ પૈકી આરોપી અજય દેસાઈ ગુજરાત રાજ્ય પોલીસદળમાં પોલીસ ઈન્સ્પેકટરનો ગેઝેટેડ અધિકારીનો હોદ્દો ધરાવે છે, જ્યારે આરોપી કિરીટસિંહ જાડેજા કરજણ વિસ્તારમાં અગ્રણી સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરે છે. આ બંને આરોપીઓ કાયદાકીય રીતે ખૂબ જ હોશિયાર છે. પોલીસની કાર્યવાહીથી સંપૂર્ણ વાકેફ છે. આરોપીઓએ ગુના સંદર્ભે સંતોષકારક જવાબ નહીં આપી મૌન સેવી ગોળ ગોળ વાતો કરી પોલીસ કસ્ટડીમાં સમય પસાર કરેલ છે. આ ગુનાની તપાસમાં સહકાર આપતા નથી જેથી બંને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખીને આ ગુના સંદર્ભે વધુ તપાસ કરવાની છે તેમજ પુરાવાઓ એકત્રિત કરવાના બાકી હોઈ પોલીસે બંને આરોપીઓને કરજણની અદાલતમાં રજૂ કરીને દિન-૧૪ના રિમાન્ડની માગણી કરતાં અત્રેની અદાલતે સરકારી વકીલ અને વીથ પ્રોસિકયુશનમાં હાજર રહેલા ભૌમિક શાહની દલીલોને ધ્યાનમાં રાખીને બંને આરોપીઓને આગામી તા.૬-૮-ર૦ર૧ સુધીના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.

બનાવના સ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવશે

વડોદરા. સ્વિટી પટેલની હત્યા કર્યા બાદ આરોપી અજય દેસાઈએ તેના મિત્ર કિરીટસિંહ જાડેજાની બંધ પડેલી વૈભવી હોટેલનો ઉપયોગ કર્યો હતો. તે સમયે લાશને સગેવગે કરવામાં અન્ય કોઈની સંડોવણી હોવાની પૂરેપૂરી સંભાવના છે તમેજ બંધ હોટલના સ્થળે સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રકશન એફએસએલના અધિકારીની ઉપસ્થિતિમાં કરવાનું છે. આરોપી કિરીટસિંહ જાડેજાએ બંધ હોટેલના અક્ષાંશ-રેખાંશ સહિતનું પીનપોઈન્ટ લોકેશન આરોપી અજય દેસાઈને વોટ્‌સએપના માધ્યમથી મોકલાવેલ હોઈ તપાસ માટે પુરાવા મેળવવા આરોપીઓની પોલીસ કસ્ટડીની જરૂર છે. અમદાવાદ ખાતે રહેતી આરોપી અજય દેસાઈની બહેને કોઈ પરિણીત વ્યક્તિ સાથે શારીરિક સંબંધ રાખતાં ગર્ભવતી થયેલ હોય તે બહેનનો નિકાલ કરવા મિત્ર કિરીટસિંહની મદદ માગી હતી. જે બાબતે બંનેની ઘનિષ્ઠ પૂછપરછ કરવાની છે. આરોપીઓએ જ્વલનશીલ ફયુઅલ, લાકડાં, પૂંઠાં સિવાય અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કર્યો છે કે કેમ? આરોપીઓએ પોતાના મોબાઈલ નંબરો સિવાય અન્ય કોઈ વ્યક્તિના નામના સીમકાર્ડ મેળવી આ ગુનાને અંજામ આપવા એકબીજા સાથે કોમ્યુનિકેશન કર્યું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આરોપીઓના મોબાઈલ ફોન નંબરના સીડીઆર સંદર્ભે બંનેને સાથે રાખી ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોઈ આરોપીઓની પોલીસ કસ્ટડી જરૂર છે જેવા વિવિધ મુદ્‌ાઓ સાથે બંને આરોપીઓના રિમાન્ડની માગણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.