સુરત-

તાપી નદીના ઉપરવાસમાં વિતેલા ચોવીસ કલાકમાં ફરી વરસાદે ધબધબાટી બોલાવતા ઉકાઈ ડેમમાં આજે 38 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી. જેની સામે ડેમમાંથી 70 હજાર કયુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમ કંટ્રોલ રૂમ અને સિંચાઈ વર્તુળની કચેરીમાંથી મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસતા વરસાદને પગલે ડેમમાં ફરી પાણીની આવક શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે હાલ ઉકાઈ ડેમ રૂલ લેવલને પાર કરી ગયો છે.

તા. 31 ઓગસ્ટ સુધી ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે. આજે ડેમની સપાટી 335.22 ફુટ નોંધાઈ છે. ઉપરવાસમાં અઠવાડિયા સુધી વરસાદે વિરામ લીધા બાદ ગઈકાલે સવારથી ફરી વરસાદે બેટીંગ શરૂ કરી છે. વિતેલા ચોવીસ કલાકમાં ઉપરવાસમાં આવેલા 21 રેઈન ગેજ સ્ટેશન મળી કુલ 395 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે ડેમમાં સવારથી પાણીની આવક શરૂ થઈ હતી. સાંજે ઉકાઈ ડેમમાં 38 હજાર ક્યુસેક આવકની સામે 70 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. હથનુર ડેમમાંથી સાંજે 39 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. હથનુર ડેમની સપાટી 210.84 મીટર નોંધાઈ હતી. ઉપરવાસમાં પડેલા વરસાદ અને કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદની અસર ચોવીસ કલાક પછી શરૂ થતાં ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા છે.