એડિલેડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડ ખાતે રમાઈ રહેલી પ્રથમ ડે નાઈટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો બીજી ઈનિંગમાં ધબડકો થયો છે. ભારતીય ટીમનો ટેસ્ટમાં અત્યાર સુધીનો આ સૌથી ઓછો સ્કોર રહ્યો છે. ભારતીય ટીમે આપેલા 90 રનના સ્કોરને ઓસ્ટ્રેલિયન ટીમે બે વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. ભારતીય ટીમે બીજા દિવસના અંતે એક વિકેટે 9 રન કરી 62 રનની લીડ મેળવી હતી. ત્રીજા દિવસે ભારતીય ટીમનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું. સમગ્ર ટીમ 36 રનમાં આઉટ થઈ જતા 90 રનનો લક્ષ્‍યાંક ઓસ્ટ્રેલિયાને મળ્યો હતો. મેથ્યુ વેડ (33) રન આઉટ થયો હતો અને લાબુસચેગ્નેને અશ્વિનની ઓવરમાં મયંક અગ્રવાલે કેચ આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જો બર્ન્સ 51 રન કરીને અણનમ રહ્યો હતો. પ્રથમ ડે નાઈટ ટેસ્ટ મેચ જીતવા સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી છે. 

શુક્રવારે દિવસના અંત સુધીમાં ભારતે બીજી ઈનિંગમાં એક વિકેટ પર 9 રન કર્યા હતા. ત્યારબાદ આજે ડે નાઈટ ટેસ્ટના ત્રીજા દિવસે ફક્ત 90 મિનિટમાં જ સમગ્ર ભારતીય ટીમ 36 રનના સ્કોરે પેવેલિયન પરત ફરી હતી. આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાને 90 રનનો જીતનો લક્ષ્‍યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર્સની સામે ભારતીય ટીમ પત્તાના મહેલની જેમ ખડી પડી હતી. મોહમ્મદ શમીને કાંડામાં બોલ વાગતા જે રમી શક્યો નહતો. 

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો આ સૌથી ઓછો સ્કોર રહ્યો છે. અગાઉ 1947માં ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ મેદાનમાં ભારતીય ટીમ 42 રનમાં ઓલઆઉટ થઈ હતી જે સૌથી ઓછો સ્કોર હતો. પરંતુ હવે 19 ડિસેમ્બર 2020ના ભારતીય ટીમે 36 રનના સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ કર્યો છે. 

ત્રીજી દિવસની રમતના પ્રારંભે ભારતના નાઈટ વોચમેન જસપ્રીત બુમરાહ અને મયંક અગ્રવાલ બેટિંગમાં આવ્યા હતા. પરંતુ પેટ કમિન્સ અને હેઝલવૂડના તરખાટ સામે ભારતીય ટીમ પોણો કલાકમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે શૂન્યમાં આઉટ થયા હતા જ્યારે મયંક અગ્રવાલ 9 રને, વિરાટ કોહલી 4, સહા 4, હનુમા વિહારી 8 પર આઉટ થયા હતા. 

ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે પાંચ જ્યારે કમિન્સે ચાર વિકેટ ઝડપી હતી. ભારતીય પૂંછડિયા બેટ્સમેન મોહમ્મદ શમીને બોલ વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને વધુ બેટિંગ કરી શક્યો નહતો.