અમદાવાદ-

સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આ બે સાળા બનેવીની જોડીએ સંખ્યાબંધ અમેરિકન નાગરિકોને ચુનો ચોપડ્યો છે. શહેરના મોટેરા વિસ્તારમાં બોગસ કોલ સેન્ટર ચલાવી લોન કંપનીના કર્મચારી હોવાનું કહી ગિફ્ટ કાર્ડની લાલચ આપતા હતા. ગિફ્ટ કાર્ડના બદલામાં રોકડેથી વ્યવહાર કરવાનું કહી લોકો પાસેથી પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે. ગૌરાંગ રાઠોડ અને અમનદીપ ભાટિયા નામના બંને આરોપીઓ છ મહિનાથી ઘરમાં જ બેસીને આ કોલ સેન્ટર ચલાવતા હતા. ઘણા સમયથી તેઓ આ પ્રવૃત્તિ બંધ કરીને બેઠા હતા પણ ફરી એક વાર નાણાકીય અછત વર્તાતા તેઓએ ફરી કોલ સેન્ટર શરૂ કર્યું પણ આ વખતે પોલીસથી બચી ન શક્યા. બોગસ કોલ્સ સેન્ટર ચલાવનારા આરોપીઓની તો રખિયાલ, સરખેજ અને સાયબર ક્રાઇમે જેટલા પણ કોલ સેન્ટરના કેસ કર્યા તેમાં તમામ કેસોમાં બે કે ચાર લોકો જ પકડાયા છે. જેથી પોલીસ પણ માની રહી છે કે, હવે આરોપીઓમાં પોલીસનો ડર બેઠો છે અને લોકોની બાતમી આપી દેવાના ડરથી ભાડે ઓફિસ રાખવાના બદલે પોતાના જ ઘરમાં આ કૌભાંડ ચલાવી રહ્યા છે. પોતાની જગ્યાની સાથે સાથે સંબંધીઓ કે પોતાના જ અંગત મિત્રોને સાથે રાખી આ શખ્સો બોગસ કોલ્સ સેન્ટર ચલાવી રહ્યા હોવાનું પોલીસ પણ સ્વીકારે છે. લિસ્ટેડ આરોપીઓના મોટા કોલ સેન્ટરને ડામવામાં પોલીસ સફળ રહી છે પરંતુ નાના સેન્ટર ચલાવતા લોકોને પણ રોકવામાં હવે પોલીસ કેટલી હદે સફળ થાય થાય છે તે જોવાનું રહેશે.