અમદાવાદ-

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં એક સમયે ટ્રાફિકભંગનો દંડ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું. તેમજ માસ્કનો દંડ વસૂલવામાં આવતો હતો. હવે શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થતા આંશિક લૉકડાઉન ચાલી રહ્યું છે. પરંતુ આવા કપરા કાળમાં પણ વાહન ચાલકો પાસેથી નિયમ ભંગના નામે ઉઘરાવવામાં આવતા દંડની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. ટ્રાફિક પોલીસે માંડ કોરોના કાળમાં માંડ ધંધા રોજગારની શરૂઆત થઈ છે ત્યાં ફરીવાર ઈ-મેમો ફટકારવાનું શરૂ કરી દીધું છે. સમગ્ર મે મહિના દરમિયાન ૪૩ હજાર લોકોને ટ્રાફિક પોલીસે સ્ટોપલાઈન ભંગનો ઈ-મેમો મોકલ્યો છે.

શહેરમાં છેલ્લા બે મહિનાથી કોરોનાનો હાહાકાર મચી ગયો હતો. હવે છેલ્લા ૨૦ દિવસથી કેસ ઓછા થતાં લોકોમાં ભય પણ ઓછો થયો છે. સરકારે નિયમો પ્રમાણે ધંધા રોજગાર ચાલુ કરવાની મંજૂરી આપી છે. સરકારી અને ખાનગી કચેરીઓમાં સંચાર વધી રહ્યો છે તે સાથે જ રસ્તાઓ પર ટ્રાફિક સતત વધવા લાગ્યો છે. કોરોના કાળમાં ધંધા-રોજગારને ઘેરી અસર પહોંચી છે અને ત્રીજી લહેરનો ડર છે. આ દરમિયાન કમાણી કરવા માટે પણ લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળવા માંડ્યા છે. જેને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસે ફરી એક વખત ઈ-મેમો આપવાની શરૂઆત કરી દીધી છે. કોરોનામાં પ્રમાણ તબક્કાવાર ઘટતું ચાલ્યું હતું તે સ્થિતિ વચ્ચે મે મહિનામાં જ સ્ટોપલાઈન ભંગના ૪૩ હજારથી વધુ ઈ-મેમો તૈયાર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ટ્રાફિક પોલીસે તા. ૨જી મેથી ૨૮મી મે દરમિયાન જ ૪૩ હજાર ૬૮૧ વાહનચાલકોને ૨.૮૪ કરોડ રૂપિયાની રકમના ઈ-મેમો લોકોને ઘરે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પહેલી વખત ટ્રાફિક નિયમભંગ કરવા બદલ રૂ. ૫૦૦નો ઈ-મેમો આવે છે. બીજી વખતથી એક હજાર રૂપિયાનો ઈ-મેમો ફટકારવામાં આવે છે. અમદાવાદમાં કુલ ૨૭ જંકશન પર ઈ-મેમો ઈસ્યૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો પાસેથી સ્થળ દંડ પણ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે. આવનારાં દિવસોમાં ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે.