ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય કારોબારી સમિતિ માટે ૮૦ સદસ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો પણ સમાવેશ કરાયો છે. આ સાથે ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓને પણ કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટિલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, ભારતી શિયાળ, રમીલા બારા સહિતનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રતાપ નડ્ડાએ ભાજપની રાષ્ટ્રીય કારોબારી સમિતિ માટે ૮૦ સભ્યોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ કરાયો છે. તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ડૉ. ભારતી શિયાળનો અને વિશેષ આમંત્રિતોમાં રમીલા બારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં તમામ રાજ્યોના ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, સંગઠન મહામંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માટે ૧૩ સભ્યોની પસંદગી કરવામાં આવી છે. જેમાં છત્તીસગઢના ડો.રમન સિંહ, રાજસ્થાનથી વસુંધરા રાજે સિંધિયા, બિહારથી રાધા મોહન સિંહ, ચંદીગઢથી સૌદાન સિંહ, ઓરિસ્સાથી બૈજયંત જય પાંડા, ઝારખંડથી રઘુવર રાસ, પશ્ચિમ બંગાળથી દિલીપ ઘોષ, ઉત્તર પ્રદેશથી બેબી રાની મૌર્યા, ગુજરાતથી ડો. ભારતીબેન શિયાળ, તેલંગણાથી ડીકે અરુણા, નાગાલેન્ડથી એમ ચુબા આઓ અને કેરળથી અબ્દુલ્લા કુટ્ટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જે.પી. નડ્ડા અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ભાજપ કારોબારીની બેઠક મળશે

દિલ્હીમાં બે વર્ષ પછી ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળવાની છે. આગામી તારીખ ૭ નવેમ્બરના રોજ દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક મળવાની છે. કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી રાષ્ટ્રીય કારોબારી સમિતિની એક પણ બેઠક મળી ન હતી. છેલ્લે જાન્યુઆરી ૨૦૧૯ માં ભાજપની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક મળી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી જગત પ્રતાપ નડ્ડાના અધ્યક્ષસ્થાને આ પહેલી કારોબારી સમિતિની બેઠક મળશે.