વડોદરા : શહેરના રાવપુરા વિસ્તારની ભાઉકાલેની ગલીમાં આવેલ કલ્પના ઉમા ડાયગ્નોસ્ટીક નર્સ્િંાગ હોમમાં પ્રસૂતિ માટે દાખલ થયેલ મહિલાએ નવજાત બાળકીને જન્મ આપ્યા બાદ માતાની તબિયત અચાનક બગડતાં તેણીને સારવાર માટે અન્યત્ર હોસ્પિટલમાં શિફટ કરવામાં આવતાં મહિલા દર્દીનું મોત થયું હતું. આ મામલે મૃતક મહિલાના પરિવારજનોએ નવજાત બાળકીનો અસ્વીકાર કરી હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો. ઉગ્ર બનેલા લોકટોળાને પગલે હોસ્પિટલના સંચાલકોએ રાવપુરા પોલીસ મથકને જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

માહિતગાર સૂત્રો દ્વારા બનાવની વિગત અનુસાર પાદરા તાલુકાના ચાણસદ ગામે રહેતા રાકેશભાઈ વિક્રમભાઈ નાઈના પત્નીને ગત તા.૩૦મી જાન્યુઆરીએ પ્રસૂતિની પીડા ઉપડતાં સારવાર માટે લઈને શહેરની નામાંકિત ડો. ઠાકોરભાઈ પટેલની કલ્પના ઉમા ડાયગ્નોસ્ટીક નર્સ્િંાગ હોમ ખાતે આવ્યા હતા, જ્યાં નિરાલીબેનની નિયમિત સારવાર ચાલી રહી હતી.

મહિલા દર્દી નિરાલીબેનને તા.૬ના રોજ લેબરપેઈન થતાં તેણીએ તંદુરસ્ત નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. બીજી તરફ બાળકીને જન્મ આપ્યા બાદ રક્તસ્ત્રાવને લીધે નિરાલીબેનની તબિયત વધુ લથડી હતી અને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવા પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. જેથી નિરાલીબેનના પતિ રાકેશ નાઈને સારવાર માટે અન્ય હોસ્પિટલ ભાઈલાલ અમીન અને સયાજી હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું. જેથી તેણીને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબી ટીમે દર્દીની સારવાર હાથ ધરી હતી. દરમિયાન ટૂંકી સારવાર બાદ નિરાલીબેનનું મોત થયું હતું. પત્નીના મૃત્યુના આવેશમાં પતિ રાકેશભાઈ નાઈ અને તેમના પરિવારજનોએ તંદુરસ્ત જીવિત નવજાત બાળકીને સ્વીકારી સાથે લઈ જવાને બદલે તેઓ ચાણસદ જતા રહ્યા હતા. તે બાદ હોસ્પિટલના સંચાલક ડો. મીરા વૈષ્ણવીએ બાળકીને લઈ જવા અંગે પિતા રાકેશ નાઈનો અવારનવાર સંપર્ક કરી રહ્યા હતા. ત્યાર પછી રાકેશ નાઈ અને તેમના પરિવારજનો અને સંબંધીઓ રપ જેટલા લોકો કલ્પના ઉમા નર્સ્િંાગ હોમ ખાતે દોડી આવ્યા હતા અને હાજર તબીબ અને હોસ્પિટલના સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી કરી મહિલા દર્દીને મારી નાખ્યાના આક્ષેપો કરી ધાંધલધમાલ મચાવી હતી અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.

આ બનાવને પગલે હોસ્પિટલના સંચાલકોએ રાવપુરા પોલીસ મથકને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડયો હતો. ત્યાર બાદ પોલીસ કમિશનરને લોકટોળા દ્વારા હોસ્પિટલના તબીબી સ્ટાફને ધમકીઓ આપવામાં આવતાં લેખિતમાં રજૂઆત કરી હતી.

મૃતક મહિલાના બનાવની તટસ્થ ન્યાયની માગ સાથે સમાજ સેવા સંઘ દ્વારા કલેકટરને આવેદન

વડોદરા. ચાણસદ ગામે રહેતા અને પ્રસૂતિ બાદ પોતાનું સ્વજન ગુમાવનાર રાકેશ નાઈએ પત્નીના સારવારની ફાઈલ અને સીસીટીવી ફુટેજની માગ કરતાં હોસ્પિટલના તબીબે આપવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં, રાકેશ નાઈના જણાવ્યા મુજબ આ હોસ્પિટલના માલિક ડો. વંદનાબેન પટેલ વિદેશ હોઈ તેમનો સંપર્ક કર્યો હતો. તેમને મળવા માટેની એપોઈન્ટમેન્ટ પણ આપી હતી. જેથી તેઓ ડો. વંદનાબેન પટેલને મળવા માટે અને સાચી હકીકત જણાવવા માટે આવ્યા હતા, જ્યાં ડો. વંદનાબેનને બદલે હોસ્પિટલના વકીલ હાજર હતા અને તેમને રાકેશ અને સંબંધીઓ સાથે વાતચીત કરી હતી અને આક્ષેપો થતાં તેમને આ સમગ્ર બનાવની ન્યાય માટે માટે નાઈ સમાજના જિલ્લા પ્રમુખ મહેશ લીમ્બાચિયા દ્વારા કલેકટરને આવેદન આપી માગણી કરી હતી.