ન્યૂ દિલ્હી

રસી નીતિને લઈને કરવામાં આવી રહેલી ટીકા અંગે મોદી સરકારે વિપક્ષને વિશ્વાસમાં લેવાની સાથે સાથે જવાબ આપવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં આજે સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી છે. સંસદ ભવનની એનેક્સિ બિલ્ડિંગમાં સાંજે 6 વાગ્યે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકનું મહત્વ એ વાતથી સમજી શકાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં હાજર રહેશે.

બેઠકમાં બંને ગૃહોમાં તમામ પક્ષના વડાઓને બોલાવાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દેશમાં અત્યાર સુધી કરવામાં આવેલા કોરોના રસીકરણ અને આ મુદ્દે સરકારની નીતિ અંગે વિસ્તૃત રજૂઆત કરશે. પ્રસ્તુતિમાં કોરોનાની હાલની સ્થિતિ પણ વિગતવાર સમજાવાય તેવી સંભાવના છે. વડા પ્રધાન મીટિંગમાં કોઈ નિવેદન આપશે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી, જોકે સૂત્રો કહે છે કે તેઓ પોતાનો મુદ્દો રજૂ કરે તેવી સંભાવના છે.

જો કે આ બેઠકમાં પોતાનું વલણ નક્કી કરવા માટે આજે સવારે 10 વાગ્યે વિરોધી પક્ષોની બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવશે. તૃણમૂલ કોંગ્રેસ સહિતના મોટાભાગના વિપક્ષી પાર્ટીઓ સંસદમાં આ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યા છે. તે જ સમયે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે આ સર્વપક્ષીય બેઠકની સાથે સરકાર સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.

ગઈકાલે સંસદ સત્રની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરતા વડા પ્રધાન મોદીએ આ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લોકોને કોરોના રસીની ઓછામાં ઓછી એક માત્રા મળી છે. તેમણે વહેલી તકે રસી અપાવવાની અપીલ પણ કરી હતી.

બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત સરકારની રસી નીતિની આલોચના કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકારની નીતિમાં ભૂલો હોવાને કારણે દેશનો મોટો વર્ગ હજી પણ રસીથી વંચિત છે.