અમદાવાદ-

રાજ્યમાં આજથી વિધાનસભાનું ખાસ બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે વિપક્ષના કેટલાક વિધાનસભ્યોએ સરકારને ભીંસમાં લેવાના કાર્યક્રમોનું આગોતરું આયોજન પણ કર્યું છે. રાજ્યમાં આજથી વિધાનસભાની બેઠક મળશે જે દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે.  આ સત્ર પહેલી એપ્રિલ સુધી ચાલવાનું છે. આજથી શરૂ થનારા બજેટ સત્રમાં હાજરી આપવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સરકારની સામે વિરોધ વ્યક્ત કરવા એક નવા પ્રકારનો પ્રયોગ કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત બજેટ સત્રમાં હાજરી આપવા માટે સાયકલ લઈને પહોંચ્યા હતા. યુવા કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે પણ ગુલાબસિંહ દ્વારા મોંઘવારીના મુદ્દા સામે વિરોધ અને રોષ વ્યક્ત કરવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના વધી રહેલા ભાવોના બેનર સાથે તેઓએ સાયકલ પર સવાર થઈને તેઓ વિધાનસભા સુધી પહોંચ્યા હતા. રાજ્યમાં સામાન્ય પ્રજા મોંઘવારીથી ત્રાસી ગઈ છે અને બીજીબાજુ, યુવાનોને રોજગારી પણ મળતી નથી એવા બંને મહત્વના મુદ્દે તેમણે સરકારની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.