વડોદરા : મંગળવારે શોપિંગ મોલની ભીડ બાદ આજે મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાથીખાના માર્કેટમાં ખરીદી કરવા માટે ઉમટી પડતાં ભારે ભીડના દૃશ્યો સર્જાયાં હતાં. એવા સમયે તંત્ર દ્વારા પોલીસની મદદ લઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલનના નામે વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની શરૂઆત કરી હતી જેનો વેપારીઓએ ભારે વિરોધ કરી દુકાનો બંધ કરી દેતાં મામલો તંગ બન્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા વેપારીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

કોરોના કેસોમાં વધારો થતાં સરકાર દ્વારા કરફયૂના સમયમાં વધારો કરતાં અને આગામી દિવસોમાં સરકાર દ્વારા લૉકડાઉન કરવામાં આવે તેવી દહેશતના પગલે શહેરના હાથીખાના બજારમાં નાના-મોટા વેપારીઓ સહિત માસિક કરિયાણું ભરતા ગ્રાહકોએ ભારે ધસારો કર્યો હતો. હાથીખાનામાં ભારે ધસારાને પગલે સોશિયલ ડિસ્ટનના લીરેલીરા ઊડયા હતા.

શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ઘાતક બનેલા કોરોનાના પગલે સરકારને કરફ્યૂમાં વધારો કરવાની ફરજ પડી છે. તે સાથે જાહેર કાર્યક્રમો ૩૦ એપ્રિલ સુધી ન કરવા માટેની ગાઇડલાઇન જાહેર કરવાની પણ ફરજ પડી છે. ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે હજુ પણ લૉકડાઉન સહિતના કડક પગલાં ભરે તેવી દહેશતના પગલે મંગળવારે મોડી સાંજથી શહેરના શોપિંગ મોલ, અનાજ-કરિયાણાની દુકાનો, શાકભાજી માર્કેટ સહિતના બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા.

દરમિયાન શહેર તેમજ આસપાસના ગામોના નાના-મોટા વેપારીઓ પણ વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે સૌથી મોટા બજાર ગણાતા એવા હાથીખાના બજારમાં આજે વહેલી સવારથી ખરીદી માટે ઉમટી પડ્યા હતા. હાથીખાના બજારમાં વહેલી સવારે કીડિયારું ઊભરાયું હોય તેમ વેપારીઓએ ભારે ધસારો કર્યો હતો. તે સાથે માસિક કરિયાણું ભરતા ગ્રાહકો દ્વારા પણ ભારે ભીડ કરવામાં આવી હતી.

લૉકડાઉનની દહેશતના પગલે વહેલી સવારથી હાથીખાના બજારમાં ઊમટી પડેલા વેપારીઓ અને છૂટક ગ્રાહકોના પગલે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. વેપારીઓ દ્વારા પણ નાના વેપારીઓ અને ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની ફરજ ચૂક્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ લહેર વખતે લૉકડાઉન કરાતાં પુરવઠો ખતમ થઈ જતાં ભારે મુશ્કેલીઓ સર્જાઇ હતી, તે સાથે અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં પણ વધારો થઇ ગયો હતો. આ વખતે શરૂ થયેલી બીજી લહેરમાં પણ ગમે ત્યારે સરકાર દ્વારા લૉકડાઉન કરવામાં આવે તેવી દહેશતના પગલે નાના વેપારીઓએ માલનો સ્ટોક કરવા માટે હાથીખાના બજારમાં ભારે ધસારો કર્યો હતો. સ્થાનિક નાના વેપારીઓ તેમજ આસપાસના ગામો નાના-મોટા વેપારીઓ વિવિધ વાહનો લઇને ઉમટી પડતાં હાથીખાનમાં પાર્કિંગની વ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી. એક તબક્કે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની ફરજ પડી હતી.

હાથીખાના બજારમાં પૂરતો સ્ટોક હોવાની વેપારી એસોસિએશનને અપીલ કરવી પડી

વેપારી એસોસિએશનના અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે હાથીખાના બજારમાં પૂરતો સ્ટોક છે. સરકાર દ્વારા કોઈ લૉકડાઉન કરવામાં આવનાર નથી, જેથી ભીડ ન કરવા અને જથ્થાનો સંગ્રહ કરવા જણાવવા છતાં નાના વેપારીઓએ ખરીદી માટે અને સ્ટોક ન કરવા અને ભારે ધસારો ન કરવા અપીલ કરવામાં આવી હતી.