વડોદરા, તા.૨૦

વારંવાર વિવાદોમાં સપડાતી પારુલ યુનિ. સામે ગંભીર કહી શકાય એવો વિવાદ ઊભો થયો છે. યુનિ. કેમ્પસની આસપાસ જમીન ધરાવતા ખેડૂતોએ પારુલ યુનિ.ના સંચાલકો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધવા માગ કરી છે અને પીએમ કાર્યાલય સુધી રજૂઆત કરી છે. બળાત્કારના કેસો બાદ ભારે બદનામ થયેલી પારુલ યુનિવર્સિટી હંમેશાં વિવાદોમાં રહે છે. ખુદ સ્થાપક જ બળાત્કારના કેસમાં જેલવાસ દરમિયાન મરણ પામ્યા હતા. ત્યાર બાદ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિની ઉપર બળાત્કાર ગુજારાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ડ્રગ્સના વપરાશથી માંડી હાલમાં વિદ્યાર્થીના મોત પાછળ આત્મહત્યા નહીં, પરંતુ હત્યા હોવાનો વિવાદ ઊભો થયો હતો.

ત્યારે પારુલ યુનિવર્સિટી કેમ્પસની આસપાસ ખેતીની જમીન ધરાવતા ખેડૂતોએ કલેકટર સમક્ષ પારુલ યુનિ.ના સંચાલકો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધવા માટે લેખિતમાં માગ કરી આ અંગેના પુરાવાઓ રજૂ કર્યા છે. કલેકટર ઉપરાંત મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, વડાપ્રધાન કાર્યાલયને પણ રજૂઆત કરી છે. ખેડૂતોએ પોતાની લેખિત રજૂઆત કમ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગામ લીમડા, તા.વાઘોડિયામાં આવેલી અમારી જમીન ઉપર ખેતી કરવા આવવા-જવા તેમજ ખેતીના સાધનો ટ્રેકટર, થ્રેસર, હાર્ડવેસ્ટર તેમજ ખેતીને લગતા અન્ય સાધનો, પશુપાલકો તેમજ ગ્રામ્યજનોને આવવા-જવાનો રસ્તો બંધ કરી પારુલ યુનિ. દ્વારા આ રસ્તાઓ ઉપર બિલ્ડિંગો, ગેટ, પાર્કિંગ, પ્લોટ બાંધી દઈ રસ્તાઓ બંધ કર્યા છે.

પરિણામે કેનાલ પાછળ આવેલા તમામ ખેડૂતોને ખેતી કરતાં ભારે મુશ્કેલી પડે છે. હાલમાં શિયાળુ, ઉનાળુ પાક લઈ શકાતો નથી. પશુપાલકો તેમજ ગામની વ્યક્તિઓને પણ આવવા-જવા રસ્તો રાખ્યો નથી. પારુલ યુનિ.ના ટ્રસ્ટીઓ, સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ખેડૂતો, પશુપાલકોના અધિકારો પર તરાપ મારી તમામ રસ્તા બંધ કરી ખેડૂતોની જમીનો સસ્તામાં પડાવી લેવાનો કારસો રચવામાં આવે છે. આ અંગે આ ખેડૂતોના પ્રતિનિધિઓ દ્વારા દસ્તાવેજી પુરાવાઓ, ફોટોગ્રાફ, કેનાલના નકશા, સીટી સર્વેના નકશા અને સરકારી જમીન હોવા અંગેના પુરાવાઓ સાથે ગુજરાત લેન્ડગ્રેબિંગ અધિનિયમ ૨૦૨૦ હેઠળ કલેકટર વડોદરાને ફરિયાદ કરવામાં આવી છે.

વડાપ્રધાન કાર્યાલય ખાતે પણ પુરાવા સહિત લેખિત રજૂઆત કરવામાં આવી છે. અગાઉ સર્કલ ઓફિસર વાઘોડિયા દ્વારા સ્થળતપાસ, ફોટોગ્રાફ, વીડિયો જેવા પુરાવાઓ સાથે જવાબ રજૂ કરાયા છે જેમાં લીમડા ગામના ખેડૂતો, પશુપાલકો તેમજ ગ્રામીણને સરકારી જમીન પર જે રસ્તાઓ નકશામાં બતાવ્યા છે તે હાલની પરિસ્થિતિ પ્રમાણે હયાત નથી. પ્રાંત અધિકારી ડભોઈને આ જવાબ રજૂ કરાયો હતો. એ જ પ્રમાણે વાઘોડિયા મામલતદાર, તલાટી અને અન્ય અધિકારીઓએ અગાઉ પંચક્યાસ કરી ગામના ખેડૂતો, પશુપાલકો, અન્ય રહીશોની સહી સાથે પંચક્યાસ કરી પ્રાંત અધિકારી ડભોઈને આ પરિસ્થિતિની સાચી માહિતીથી વાકેફ કર્યા હતા. તેમ છતાં યોગ્ય કાર્યવાહી નહીં થતાં આ મામલાની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ખેડૂતોએ પારુલ યુનિ.ના સંચાલકો સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા

માગ કરી છે.

પારુલ યુનિવર્સિટી વિવાદોની પર્યાય બની

પારુલ યુનિવર્સિટીના સ્થાપક ડો. જયેશ પટેલ ખુદ યુનિ.માં અભ્યાસ કરતી યુવતી ઉપર બળાત્કાર ગુજારવાના મામલે જેલમાં ગયા હતા, ત્યારથી જ યુનિવર્સિટીમાં વિવાદોનો સિલસિલ શરૂ થયો છે. બાદમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિની ઉપર બળાત્કારનો મોટો વિવાદ થયો હતો. ડ્રગ્સના વેચાણથી માંડી વિદ્યાર્થીઓના અપમૃત્યુના બનાવો પણ હંમેશાં વિવાદમાં જ રહેતાં હોવાથી પારુલ યુનિ.નું નામ જ વિવાદ યુનિવર્સિટી પડી ગયું હોય એમ લાગે છે.