વડોદરા : શહેરમાં ઓક્સિજનના જથ્થાની જરૂરત કરતાં પુરવઠો હંમેશાં ઓછો જ આવે છે તેમાંય વાવાઝોડાને કારણે નિયમિત રીતે મળતો ઓછો પુરવઠો ખોરવાયો હતો. માંડ માંડ ઓક્સિજનનો જથ્થો લઈને પાાયોનિયર કોલેજ કે જ્યાં સરકારી કોવિડ કેર સેન્ટર ચલાવાય છે ત્યાં પહોંચેલું ટેન્કર માટીમાં ખૂંપી જતાં તંત્રના હોશ ઊડી ગાય હતા. અંતે ઈએમઈના આર્મી જવાનો અને હેવી મશીનરીના ઉપયોગથી ટેન્કરને બહાર કાઢવામાં આવતાં સૌએ રાહતનો દમ લીધો હતો. એ પડેલા પાયોનિયર કોવિડ કેરના દર્દીઓ અને સગાંવહાલાંના જીવ તાળવે ચોંટી ગયા હતા. જામનગર રિલાયન્સથી ઓક્સિજનનું ટેન્કર નીકળ્યં હતું જે તારાપુર નજીક ગઈકાલે અટવાયું હતું એ આજે વડોદરા આવી પહોંચ્યું હતું જેને આજવા રોડ ઉપર આવેલી પાયોનિયર કોલેજ કે જ્યાં સરકારી કોવિડ કેર સેન્ટર ચલાવાય છે એના પ્રાંગણમાં વાવાઝોડાથી થયેલા વરસાદને કારણે ભીની થયેલી માટીમાં ટેન્કર ખૂંપી જતાં એને અનેક પ્રયત્નો બાદ પણ આગળ પાછળ કરી શકાતું ન હતું. બીજી તરફ ત્રણ દિવસથી ઓક્સિજનનો પુરવઠો આવ્યો નહીં હોવાથી હોસ્પિટલના પ્રાંગણમાં લગાવાયેલી ઓક્સિજન મોટી ટેન્કમાં પણ પુરવઠો પૂરો થવા આવ્યો હોવાથી તબીબો, દર્દીઓ, સગાંવહાલાં અને તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું હતું. જિલ્લા કલેકટરને આ અંગે જાણ કરવામાં આવતાં ઓક્સિજન ટેન્કરને બહાર કાઢવા માટે ઈએમઈની મદદ લેવાનો નિર્ણય કરી તાત્કાલિક પહોંચવા માટે સૂચના અપાઈ હતી અને ખુદ કલેકટર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અંતે એક કલાકની ભારે જહેમત બાદ ઈએમઈની હેવી મશીનરી અને આર્મીના જવાનોની મદદ લઈ ટેન્કર બહાર કાઢી હતી અને ઓક્સિજનની ટાંકીમાં રિફિલિંગ શરૂ કરાતાં સૌએ રાહતનો દમ લીધો હતો.