મેલબોર્ન

ભારતીય ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ રવિવારે ડબલ્યુટીએ ટૂર ટુર્નામેન્ટના સિંગલ્સ મેઈન ડ્રોમાં એલિસાબેતા કોસિર્ટોને ત્રણ સેટની મેચમાં હરાવીને પ્રથમ જીત નોંધાવી હતી. અંકિતા ૨,૩૫,૨૩૮ ડોલર ની ઇનામ રકમ વાળી ફિલિપ આઇલેન્ડ ટ્રોફીમાં પહેલો સેટ હાર્યા બાદ પરત ફરી હતી અને ૫-૭, ૬-૧, ૬-૨ થી મેચ જીતી હતી. બે કલાક અને ૧૧ મિનિટ સુધી ચાલેલી આ મેચ જીતવાથી તેને રેન્કિંગમાં ફાયદો થશે. તે રેન્કિંગમાં ૧૮૧ પોઝિશનથી કારકિર્દીની શ્રેષ્ઠ ૧૫૬ મી રેન્કિંગમાં જશે. અંકિતાએ ડબ્લ્યુટીએ ટૂર પર યારા વેલી ક્લાસિક અને થાઇલેન્ડ ઓપનમાં ભાગ લીધો હતો પરંતુ તે બંને ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં હારી ગઈ હતી. ૨૮ વર્ષીય ખેલાડીએ જીત બાદ કહ્યું હતું કે અહીંની પરિસ્થિતિઓ ઘણી મુશ્કેલ હતી, પરંતુ તેનો સામનો કરવાનો એક રસ્તો શોધી કાઢ્યો હતો. તેણે કહ્યું, 'અહીં એકદમ જોરદાર પવન હતો. મેં સારી શરૂઆત કરી હતી પરંતુ તે પહેલા સેટમાં લયમાં હતી. મેં બીજા અને ત્રીજા સેટમાં સારો દેખાવ કર્યો. "