વડોદરા : બહાના કાઢી ઘરજમાઈ બની ગયેલા બનેવીએ સાળા સાથે રૂા.પ.૬૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. અગાઉ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને હાલમાં ભાજપાના કાર્યકરે સાળા સાથે કેનેડાની વર્ક પરમિટ વિઝા તથા ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને આ છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં અન્ય છ વ્યક્તિઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું જણાવાયું છે. પોલીસે ચિંતન પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.

શહેરના પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી એ/૨, રિદ્ધિ સોસાયટીમાં રહેતો વિવેક કનુભાઇ વસાવા બી.ઇ.ના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૦૧૮ દરમિયાન મારી બહેન ફાલ્ગુનીએ ચિંતન ઉર્ફે ચેતન પ્રભુદાસ પટેલ (રહે. શ્રી સોસાયટી, વાઘોડિયા રોડ, મૂળ રહે. જેસીંગપુરા, વાઘોડિયા) સાથે ફૂલહાર કરીને લગ્ન કર્યાં હતા. પરિવારના સંપર્કમાં આવેલા ચિંતને પોતાની ઓળખ બિલ્ડર તરીકે આપી ફાલ્ગુનીના છૂટાછેડા થયેલા હોવાનું અને તેને એક સંતાન હોવાનું જાણવા છતાં તેની સાથે ફૂલહાર કર્યાં હતા.

લગ્નના દિવસે ચિંતન ઉર્ફ ચેતનના કોઇ સંબંધી ન આવતાં તેણે સંબંધીનું મોત થયું હોવાથી કોઈ આવી નહીં શકે તેવું કારણ જણાવ્યું હતું. ફૂલહાર પતાવી મંદિરની બહાર નીકળતાં ભેજાબાજ ચિંતને પોતે બીમાર હોવાનું જણાવી સાસરીમાં જ રોકાઈ ગયો હતો. જ્યાં છેલ્લા દોઢ વર્ષથી તે રહેતો હતો. ચિંતને પોતાના સાળા વિશાલના પરિવાર પાસે નાણાં પડાવવા માટે સાળા વિશાલને વધુ અભ્યાસ માટે કેનેડા મોકલવા માટે દબાણ કર્યું હતું અને કેનેડાના વર્ક પરમિટ વિઝા માટે ૬ લાખનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. રૂપિયા ૩ લાખ પડાવ્યા બાદ ચિંતને બનાવટી વર્ક પરમિટ વિઝાની નકલ આપી હતી. ત્યાર બાદ ભાંડો ફૂટતા ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને ટુકડે-ટુકડે રૂપિયા પડાવી કંપનીના મેનેજર એચ.આર.ની સહીવાળો વર્ક પબ્લિક રિલેશન ઑફિસરની પોસ્ટવાળો બનાવટી ઓર્ડર આપ્યો હતો.

આ ઉપરાંત અન્ય ૫ લોકો લીયાકત હુસેન પીર મોહંમદ સિંધી (રહે. સિંધીયાપુરા, ડભોઇ), લીયાકત મોહંમદ મોહઉદ્દીન સિંધી (રહે, નવાયાર્ડ, ગોરવા), શાહિદમીયા અમીરમીયા સિંધી (રહે. બી-૫૦ ઝમઝમ પાર્ક, તાંદલજા) પાસેથી ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને રૂા. ૫-૫ લાખ લીધા હતા. એ તો ઠીક ભેજાબાજ ચિંતન શહીદ સિંધીની કાર પણ ફરવા માટે લઇ ગયો હતો અને તે કાર પણ પરત આપી નથી.

ડો. તખતસિંહ સોઢાની દીકરીને કેનેડાના વિઝા અપાવવાના બહાને રૂા. ૫ લાખ પડાવ્યા હતા અને તેમના મિત્ર વિશાલ તપોદર પાસેથી પણ વિઝા અપાવવાના બહાને રૂા.૧.૫૦ લાખ પડાવ્યા હતા. ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પટેલની છેતરપિંડીનો ભોગ બનેલા તમામે પોતાના વિસ્તારના પોલીસ મથકમાં પણ તેની સામે અરજી અગાઉ આપી હતી. વધુમાં જણાવ્યું કે, મારી બહેને નાણાં પરત માંગતાં ઉશ્કેરાયેલા ઠગ ચિંતન ઉર્ફ ચેતન પટેલે પત્નીને ધમકી આપી કે, મારી વાત કરીશ તો તને અને તારી છોકરીને પતાવી દઈશ. હું મોટા રાજકીય હોદ્દા પર છું તેવી ધમકી આપી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ પદ વડોદરાનું વિઝિટિંગ કાર્ડ બતાવ્યું હતું. આમ ૬ વ્યક્તિઓ પાસેથી ટુકડે-ટુકડે રૂપિયા ૫.૬૦ લાખની રકમ પડાવી છેતરપિંડી આચરી હતી. પાણીગેટ પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા વિવેક વસાવાની ફરિયાદના આધારે ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પટેલ સામે વિશ્વાસઘાત-છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચિંતન પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.

------------------

‘’