વડોદરા, તા. ૧૯

શહેરના વાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવાન પોલીસ જવાનનું લીવરની સારવાર દરમિયાન આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ અગાઉ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મૃતક પોલીસ જવાનના મૃતદેહને સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમવિધિ માટે વિદાય આપવામાં આવતા ભારે ગમગીન દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં પ્રતાપનગર હેડ ક્વાટર્સ ખાતે રહેતા ૩૫ વર્ષીય અશ્વિનભાઇ ગલાભાઈ પટેલ વાડી પોલીસ સ્ટેશન ખાતે ડેપ્યુટેશન પર ફરજ બજાવતા હતા. તેમને પેટમાં દુઃખાવા અને લીવરની તકલીફ હોઈ તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. ૫મી તારીખે ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જાેકે ત્યારબાદ પરમદિવસે ફરીથી તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન આજે સવારે ત્રણ વાગે તેમનું મોત નીપજ્યું હતું. તેમનો આરટી પીસીઆર ટેસ્ટ કરાયો હતો જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું સપાટી પર આવતા તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સરકારની કોવિડની ગાઈડલાઈન મુજબ તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલથી સીધો સ્મશાન ગૃહ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.

 અંતિમવિધિ અગાઉ સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં પોલીસ જવાનો દ્વારા મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પોલીસ જવાનોના બ્યુગલના રણકારથી સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ હતી. ગાર્ડ ઓફ ઓનર બાદ તેમના મૃતદેહને સ્મશાનમાં ખસેડાતા કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે મૃતક પોલીસ જવાનની ૩૧ વર્ષીય સગર્ભા પત્ની પણ હાલમાં કોરોનાગ્રસ્ત છે. પોલીસ જવાનના મોતના પગલે વાડી પોલીસ સ્ટેશન તેમજ પ્રતાપનગર હેડ ક્વાટર્સ ખાતે પોલીસ જવાનોમાં ભારે ગમગીની ફેલાઈ હતી.