અજય વાટેકર / વડોદરા, તા.૯ 

ફતેગંજ પોલીસ મથકમાં પરપ્રાંતીય વૃધ્ધનું ખુદ પીઆઈ અને પીએસઆઈ સહિત છ પોલીસ કર્મચારીઓએ સાપરાધ મોત નિપજાવવાના ચકચારભર્યા બનાવની શાહી હજુ સુકાઈ નથી તે પહેલા જ ફતેગંજ પોલીસે ગુમ થયેલા યુવકની તપાસમાં ઘોર બેદરકારી દાખવતા ત્રણ બહેનોના એકના એક ભાઈનો ભોગ લેવાયો હોવાનો ગંભીર આક્ષેપ થતાં ફતેગંજ પોલીસ વધુ એક વાર વિવાદમાં સપડાઈ છે.

નિઝામપુરા વિસ્તારમાં પટેલ ફળિયામાં રહેતા પારુલબેન રાજુભાઈ સોલંકીએ અશ્રુભીની આંખે જણાવ્યું હતું હું તેમજ મારી બે બહેનો ભાવનાબેન અને જ્યોતીબેન ત્રણેય જણા પરિણીત છીએ અને અમરા પરિવાર સાથે રહીયે છે. અમારી ત્રણ બહેનોને એકનો એક ભાઈ ૪૦ વર્ષીય રાકેશ રસિકભાઈ ચૈાહાણે લગ્નના થોડાક સમય બાદ છુટાછેડા લેતા તે છેલ્લા બાર વર્ષથી મારી સાથે જ રહેતો હતો અને કેટરીંગનું કામ કરતો હતો. રાકેશને અમારા વિસ્તારમાં રહેતા માથાભારે અને નશેબાજ યુવકો સંજય ખ્રિસ્તી અને જાદુગર સહિતના યુવકો સાથે મિત્રતા હતી જેથી અમે તેને આવા લોકો સાથે મિત્રતા નહી રાખવા માટે સમજાવતા હતા અને મે સંજયને પણ મારા ભાઈને તું બગાડતો નહી તેમ કહી ઠપકાર્હયો તો જેથી તે મારી હાજરીમાં મારા ભાઈને બોલાવવા આવતો નહોંતો. ગત ૨૨મી જુનના સવારે સંજયે તેના સાગરીત જાદુગરને અમારી ઘરે મોકલ્યો હતો અને તેણે રાકેશ સાથે કંઈક વાત કરતા જ રાકેશ તુરંત તૈયાર થઈ અમને કોઈ જાણ કર્યા વિના જાદુગર સાથે ગયો હતો અને ત્યારબાદ તે સંજય ખ્રિસ્તી અને જાદુગર સાથે રિક્ષામાં બેસીને અજ્ઞાત સ્થળે રવાના થયો હતો.

જાેકે મોડી સાંજે સંજય અને જાદુગર અમારા વિસ્તારમાં પરત આવી ગયા હતા પરંતું અમારો ભાઈ ઘરે નહી આવતા મે સંજયની મારો ભાઈ ક્યાં છે તેવી પુછપરછ કરી હતી જેમાં તેણે મને કોઈ જવાબ આપ્યો નહોંતો અને તારાથી થાય તે કરી લે તેવી ધમકી આપી હતી. રાકેશની અમે ત્રણેય બહેનો અને પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતું તેનો પત્તો લાગ્યો નહોંતો. દરમિયાન ૨૩મી તારીખના સવારે સાડા છ વાગે કોઈ અજાણી વ્યકિતના મોબાઈલથી રાકેશે મને ફોન કરી માત્ર એટલી જ જાણ કરી હતી કે હું વાસદમાં અને તમે મને લેવા માટે આવી જાવ. જાેકે મારા ઘરે કોઈ હાજર ન હોઈ મે રાકેશને કહ્યું હતું કે રિક્ષામાં બેસીને ઘરે આવી જા હું ભાડુ આપી દઈશ. જાેકે ત્યારબાદ ફોન કટ થયો હતો અને તેનો કોઈ ફોન નહી આવતા અમે લોકોએ વાસદમાં પણ જઈને તપાસ કરી હતી પરંતું રાકેશની કોઈ ભાળ મળી નહોંતી.

અમારા ભાઈનો જીવ ખતરામાં હોવાની શંકા જતા અમે લોકો ફતેગંજ પોલીસ મથકમાં મારાભાઈના ગુમ થવાની જાણ કરવા ગયા હતા પરંતુ પોલીસે અમને અત્યારે કોઈ નથી તેમ કહીને રવાના કર્યા હતા જેથી અમે ફરી બીજા દિવસે ૨૫મી જુને પોલીસ મથકમાં ગયા હતા જ્યાં અમને દિવસભર બેસાડી રાખ્યા બાદ મોડી સાંજે પોલીસે અમારી અરજી લીધી હતી અને ત્યારબાદ ૨૬મી જુનના રાત્રે આણંદ-વડોદરા હાઈવે પર વાસદ ગામની સીમમાં ફેમસ હોટલ પાસે ઝાડના નીચે રાકેશની લાશ મળી હતી. અમને વાસદ પોલીસે જાણ કરતા અમે ત્યાં દોડી ગયા હતા અને લાશને ઓળખી બતાવી હતી. રાકેશનું પોસ્ટમોર્ટમ બાદ લાશ અમને સોંપાઈ હતી અને તેનો ગઈ કાલે જ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે જેમાં તેનું શોક અને અચાનક હૃદયરોગના હુમલાથી મોત થયું છે તેમ ડોક્ટરોએ જણાવ્યું છે.

અમારા ભાઈને સંજય ખ્રિસ્તી અને તેના મિત્રો લઈ ગયા હતા તેવી પોલીસને જાણ કરી હતી તેમ છતાં ફતેગંજ પોલીસે સંજય ખ્રિસ્તી કે જાદુગરની કોઈ પુછપરછ કરી નહોંતી. જાેે પોલીસે તેઓની પુછપરછ કરી હોત તો તેઓની પાસેથી રાકેશને ક્યાં લઈ ગયા છે, ક્યાં છોડ્યો છે અને તેને વડોદરામાં પાછો નહી આવવા માટે કોઈ ધમકી તો આપી નથી ને તેની વિગતો મળી હોત અને અમારા ભાઈને અમે લઈ આવ્યા હોત. અમને ચોક્કસ શંકા છે કે સંજય ખ્રિસ્તીએ જ મારા ભાઈને કોઈ ધમકી આપી હશે જેથી તે ભુખ્યો તરસ્યો વાસદ વિસ્તારમાં રખડ્યો હતો અને તેને આઘાત લાગતા અને તે અશક્ત બનતા તેને હાર્ટએટેક આવતા તેનું મોત થયું છે. ફતેગંજ પોલીસે જાે અમારી ફરિયાદ સાંભળી તુરંત શંકાસ્પદ આરોપીઓની પુછપરછ કરી હોત તો અમારો ભાઈ કદાચ બચી ગયો હોત પોલીસની ઘોર બેદરકારીના કારણે જ અમારા ભાઈનું મોત થયું છે અને આ બાબતની તપાસ માટે અમે ડીસીપી મેઘાણી સાહેબને પણ ફરિયાદ કરી છે.

ફતેગંજ પોલીસની ઘોર બેદરકારીથી એકનો એક ભાઈ ગુમાવ્યો છે

રાકેશના પરિવારજનોએ આક્ષેપ કયોર્ હતો કે અમે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા જતા અમને ૨૪મી તારીખે બેસાડી રાખી ફરિયાદ લીધા વિના રવાના કયાર્ હતા અને ત્યારબાદ પોલીસે ૨૫મી તારીખે પણ દિવસભર બેસાડી રાખી મોડી રાત્રે માત્ર અરજી લીધી હતી. શંકાસ્પદ આરોપી સંજય ખ્રિસ્તીની પોલીસ સાથે રોજની ઉઠકબેઠક છે અને જાે પોલીસે તેની કડકાઈથી પુછપરછ કરી હોત તો કદાચ રાકેશનો પત્તો મળી જતો અને અમે તેને ઘરે લઈ આવતા તો કદાચ તેનો જીવ બચી ગયો હતો. ફતેગંજ પોલીસની ઘોર બેદરકારીના કારણે જ ત્રણ બહેનોના એકના એક ભાઈ ગુમાવ્યો છે.

માથાભારે સંજયે કહ્યું પોલીસ તો મારા ખિસ્સામાં છે તું કંઈ બગાડી નહી શકે

મારા ભાઈને તમે ક્યાં મુક્યો છે ,તમે મને કહી દો નહી તો હું પોલીસમાં તમારી ફરિયાદ કરીશ તેવું પારુલબેને કહેતા જ સંજય ખ્રિસ્તીએ એવી ધમકી આપી હતી કે પોલીસ તો મારા ખિસ્સામાં છે..તું મારુ કંઈ બગાડી શકવાની નથી. પારુલબેને જણાવ્યું હતું કે મારા ભાઈને સંજયે જ ધમકી આપી હશે જેથી તે ઘરે પાછો આવવા માટે ગભરાતો હોઈ મને લેવા માટે આવવા ફોન કર્યો હતો.