વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૨૩૪ હંગામી કર્મચારીઓને રૂપિયા એક કરોડની જંગી રકમ લઇ કાયમી કરવાના શાસક ભાજપાના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટતા અને શ્રીમંતોની ગણાતી અને વાલીઓની ઉઘાડી લૂંટ ચલાવતી શાળાઓને કરોડોની જમીન પાણીના ભાવે ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપવાની “ગોઠવણ”વળી દરખાસ્ત એમ બંને કામો આજે પાલિકાની વર્તમાન બોર્ડની મળેલી છેલ્લી સામાન્ય સભામાં મુલતવી કરાતા આ કૌભાંડોનો ભાંડો ફોડનાર “લોકસત્તા -જનસત્તા”ને સફળતા મળી હતી. શાળાઓને ૯૯ વર્ષના ભાડાપટ્ટે જમીન આપવાના મામલે ૩૦ વર્ષના ભાડાપટ્ટે જમીન આપવાની બાબત આગળ ધરીને આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરેએ મતદાન કરાવતા આ દરખાસ્તને મુલતવી રાખવાનો ર્નિણય લેવાયો હતો.   

વડોદરા મહાનગર પાલિકાના વર્તમાન ભ્રષ્ટ શાસકોની છેલ્લી સામાન્ય સભામાં શૈક્ષણિક સંસ્થાઓને ૯૯ વર્ષના ભાડાપટ્ટે કરોડોની જમીન પાણીના મુલે ભ્રષ્ટાચારી શાસકોના પીઠબળથી શ્રીમંતોની શાળાઓને પધરાવી દેવાની જાળ બિછાવવામાં આવી હતી.પરંતુ પાલિકાના ભ્રષ્ટ શાસકોની લૂંટફાટ પ્રાઇવેટ લિમિટેડની માહિતી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત રઘુનાથ પાટીલ (સી.આર.પાટીલ) સુધી પહોંચતા તેઓએ આ દરખાસ્ત પર બ્રેક લગાવી દેવાને માટે પ્રદેશ કક્ષાએથી જ સીધા આદેશો કરતા પાછલા દરવાજે જતા જતા છેલ્લા દિવસોમાં ગોઠવણ કરનારાઓના સપના ચકનાચૂર થઇ ગયા હતા તથા આખરે શાળાઓને ૯૯ વર્ષના ભાડાપટ્ટે જમીન આપવાની દરખાસ્તના મામલે થુંકેલુ ચાટવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની હંગામી કર્મચારીઓને કાયમી કરવાને માટે કરાયેલા એક કરોડ ઉપરાંતની રકમના તોડની માહિતી લોકસતાના અહેવાલોના પગલે પડઘા પાડીને પ્રદેશ કક્ષાએ પહોંચી જતા એના ૨૩૪ કર્મચારીઓને કાયમી કરવાની આજની છેલ્લી

સભામાં મુકાયેલ દરખાસ્તને પણ નામંજૂર કરવામાં આવી છે. આ સમગ્ર મામલે યુનિયનના નેતાએ દલાલી કર્યાનું ખુલ્લેઆમ ચર્ચાય છે. આમ લોકસત્તાએ આ ભરતીમાં ખેલાયેલા ભ્રષ્ટાચારના ખેલને ખુલ્લો પાડતા કરોડોનો વહીવટ કરનારાઓના ચહેરાનો નકાબ ઉતરી જતા વિલા મોઢે ઢાકણીમાં પાણી લઈને ડૂબી જવા જેવી સ્થિતિ સર્જાવા પામી છે.

આરએસપી દ્વારા ૯૯ના બદલે ૩૦ વર્ષના

ભાડાપટ્ટે જમીન આપવાના મુદ્દે રજૂઆત કરાઈ

પાલિકાના આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરેએ શૈક્ષણિક સંસ્થાઓને ૯૯ વર્ષના ભાડાપટ્ટે જમીન આપવાના મામલે ૯૯ના બદલે ૩૦ વર્ષના ભાડા પટ્ટે જમીન આપવાની માગ કરતા મતદાન કરાવ્યું હતું. જેમાં આ દરખાસ્તને શાસકોએ બહુમતીના જાેરે મુલતવી રાખવામાં સફળ રહયા હતા.

કોના ઈશારે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના આદેશને ઘોળીને પી જવાયો?

વડોદરા મહાનગર પાલિકાના વર્તમાન શાસકો સત્તામાં આવ્યા પછીથી આખો મીંચીને પાવડે પાવડા ઉલેચીને માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ વ્યસ્ત રહયા છે. જેમાં માલેતુજારો હસ્તકના શિક્ષણ ક્ષેત્રને પાણી માગતા દૂધ હાજર કરવામાં કોઈપણ પ્રકારની કચાસ રાખી નથી. આ સમગ્ર કૌભાંડનો પડઘો પ્રદેશ કક્ષાએ પડટસ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા એને મંજુર કરવા સામે લાલ બત્તી ધરીને સ્પષ્ટ આદેશો આપી દેવામાં આવ્યા હતા. તેમ છતાં આ સંસ્થાઓની પાછલી બાકી રકમની વાતનો છેદ ઉડાડીને આદેશોની ઉપરવટ જઈને કયા નેતાના ઈશારે આ દરખાસ્તને મુલતવી કરીને ઉચ્ચ કક્ષાના આદેશને ઘોળીને પી જવામાં આવ્યો છે. એ બાબત ગરમા ગરમ ચર્ચાનો વિષય બની ગઈ હતી.