વડોદરા : શહેરના ફતેગંજ પોલીસ મથકમાં જ મોતને ઘાટ ઉતારાયેલા શેખ બાબુના ચકચાર હત્યાકાંડમાં વધુ એક પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ પણ આરોપી બન્યા છે. પરિણામે અગાઉ પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ જવાનો બાદ હવે જે તે સમયે ફતેગંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ દિલીપસિંગ ભરતસિંગ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ મહેશભાઈનું નામ પણ ચાર્જશીટમાં તહોમતદાર તરીકે આવતાં હવે આ કેસના કુલ ૮ આરોપીઓ બન્યા છે એ પૈકી ૬ આરોપીઓ જેલમાં છે, જ્યારે બાકીના બે નવા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 

શેખ બાબુની હત્યાકાંડની અદાલતમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં પીઆઈ ગોહિલ, પીએસઆઈ રબારી સહિત ચાર પોલીસ જવાનો મળી ૧ થી ૬ નંબરના આરોપીઓ હાલ જેલમાં હોવાનું જણાવાયું છે. જ્યારે નાસતા ફરતા આરોપીઓમાં દિલીપસિંગ ભરતસિંગ રાઠોડ (પીએસઆઈ) (રહે. ઓફિસર કોલોની, અલકાપુરી) અને મહેશભાઈ રમેશભાઈ (હેડ કોન્સ્ટેબલ) (રહે. રેલવે પોલીસલાઈન, કોઠી કચેરી, રાવપુરા)ના નામ સત્તાવાર રીતે લખાયેલા છે. આમ વધુ એક પીએસઆઈ અને એક હેડ કોન્સ્ટેબલ આ મામલામાં ફરાર દર્શાવાયા છે. અદાલતમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં કુલ ૧૦પ સાક્ષીઓ છે. છ આરોપીઓ ઝડપાયેલા અને બે ભાગેડુ હોવાનું જણાવાયું છે. જ્યારે એફઆઈઆરમાં હતી એના કરતાં વધારે કલમોનો ઉમેરો પણ કરવામાં આવયો છે. ચાર્જશીટ મુજબ ઈપીકો કલમ ૩૦૨, ૧૯૩, ૨૦૧, ૨૦૨, ૨૦૩, ૨૦૪, ૩૩૦, ૩૩૧, ૩૪૮, ૪૬૫, ૪૬૬, ૪૭૧, ૧૧૪ મુજબનો ગુનો દર્શાવાયો છે.