લખનઉ-

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસ મહામારીનું સ્વરૂપ અત્યંત ઘાતક પુરવાર થઈ રહ્યું છે અને હવે ઉત્તર પ્રદેશ ની હાલત પણ ગંભીર બની રહી છે અને એટલા માટે જ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા યોગી સરકારને એવી સૂચના આપવામાં આવી છે કે વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવે. દરમિયાનમાં મુખ્યમંત્રી યોગીની કચેરીના અનેક અધિકારીઓ પોઝિટિવ જાહેર થયા છે ત્યારે યોગી પોતે પણ આઇસોલેટ થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં ૧૮ હજારથી પણ વધુ નવા કેસ બહાર આવ્યા છે અને રાજધાની લખનૌમાં સૌથી વધુ ૫૩૦૦ જેટલા કેસ મળ્યા છે. અલાહાબાદમાં ૧૮૦૦થી પણ વધુ નવા કેસ મળી આવ્યા છે અને હોસ્પિટલોમાં વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં બેફામ ગતિથી સાથે નવા કેસ બહાર આવી રહ્યા છે ત્યારે અલ્હાબાદ હાઇકોર્ટમાં થયેલી એક અરજીને પગલે હાઈકોર્ટે ગઈકાલે યોગી સરકાર અને કેટલાક સૂચનો કર્યા હતા.

હાઈકોર્ટે સરકારને એવી સૂચના આપી છે કે રાજ્યના જે જિલ્લાઓમાં સૌથી વધુ ગંભીર હાલત હોય ત્યાં તત્કાળ સંપૂર્ણ લોકડાઉન લગાવવું હિતાવહ રહેશે. આ ઉપરાંત રાજ્યમાં ટેસ્ટિંગ ની કામગીરી પણ ઝડપી બનાવવાની સુચના આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં હજુ પણ લોકો માસ્ક પહેરતા નથી અને ભયંકર ભીડ એકત્ર કરવામાં આવી રહી છે ત્યારે નિયમોનું સખત રીતે પાલન કરાવવાની સૂચના પણ યોગી સરકારને આપવામાં આવી છે. હજુ પણ શહેરોમાં અને ગામડાઓમાં મોટાપાયે ભીડ એકત્ર થઇ રહી છે અને તેને લીધે કોરોનાવાયરસ મહામારી વધુ પ્રમાણમાં ફેલાઈ રહી છે.