ગોધરા, તા.૨૭

જગદગુરુ શ્રીવલ્લભાચાર્યજી, શ્રીનાથજી, શ્રીયમુનાજી અને વિદ્યમાન વલ્લભવંશના આચાર્યશ્રીઓના અસીમ અનુગ્રહથી ૧૧૫ વર્ષથી કાર્યરત આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદની રાષ્ટ્રીય કારોબારી અને જનરલ કાઉન્સિલ વડોદરા મુકામે પરિષદના ગુજરાત પ્રદેશના કાર્યાલય ખાતે મળી. ૨૦૨૧-૨૦૨૪ના ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગોધરાના અગ્રણી કે. ટી. પરીખની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી. માત્ર ૫૨ વર્ષની યુવાવયે રાષ્ટ્રીય અધ્યક્ષ બનીને તેઓએ પુષ્ટિ સંપ્રદાયમાં એક ઇતિહાસ બનાવી દીધો છે. તેઓ સામાજિક, ધાર્મિક અને નાણાંકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેઓના બહોળા અનુભવનો લાભ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદને પ્રાપ્ત થશે. પરિષદનું ૧૯૫૯માં સોસાયટી એક્ટ નીચે રજીસ્ટ્રેશન થયું. ૧૯૮૧માં પ્રથમ પીઠાધીશ પુ. શ્રી પ્રથમેશજી મહારાજશ્રીના આશીર્વાદથી તેને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપીને તેનું નામ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ કરવામાં આવ્યું. વૈષ્ણવ પરિષદનું પ્રથમ પ્રમુખપદ શ્રી વિઠ્ઠલદાસ કારાણીએ શોભાવ્યું હતું. પ્રથમ પીઠાધીશ પુ. શ્રી પ્રથમેશજી મહારાજશ્રીએ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદને મજબુત કરવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા અને તેમને તેમના સમગ્ર જીવનને પરિષદને સમર્પિત કરી દીધું હતું.