વાંસદા : વાંસદાનાં તાડપાડા ગામ નજીક કાર પહોંચતા બે શખ્સો લઘુશંકાના બહાને કાર થોભાવી નીચે ઉતરી કાર ચાલકને ગોળી મારી ઇજા પહોંચાડી કાર અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતા. 

નાસીકના લોખંડેમલા પારિજાતનગર જેલરોડ ખાતે રહેતા જય સોમનાથ ડગલે નાઓ કાર ભાડે ચલાવી ગુજરાન ચલાવે છે. તેઓ ગતરોજ ઇનોવા કાર નંબર એમ.એચ-૧૫-જીએફ-૦૩૯૦ માં બે મુસાફરોને લઈને નાસીકથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. અને આજરોજ વહેલી સવારે તેઓ વાંસદા વઘઇ જતાં રોડ પર તાડપાડા ગામ વીસ ગોલીયા વઘઇ રોડ ઉપર પહોંચતા આ બંને મુસાફરો એ લઘુશંકા કરવા માટે કાર ઊભી રખાવી હતી. જેથી ચાલકે કાર રોડની બાજુમાં ઊભી રાખી હતી. ત્યારબાદ આ બંને મુસાફરો નીચે ઉતર્યા બાદ એક મુસાફરે જય ડગલેને ગોળી મારી જાનથી મારી નાંખવાની કોશિશ કરી આ બંને મુસાફરો ઇનોવા કાર અને મોબાઈલ ફોન મળી કુલ ૨૨ લાખની લૂટ ચલાવી ભાગી છૂટ્યા હતા. જ્યારે જય ડગલે રોડની બાજુમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હોય તેમણે ૧૦૮ ઈમરજન્સી નંબર ઉપર ફોન કરતાં મહુવાસ પી.એચ.સી ખાતે ઈમરજન્સી મેડિકલ ટેકનિશયન ગણેશભાઈ ગાવીત અને ૧૦૮ એમ્બ્યુલન્સે સારવાર કરી હતી અને વધુ સારવાર માટે જય ડગલેને વાંસદા હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.