વડોદરા, તા.૧૬ 

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે વડોદરા ડીઆરએમ અંતર્ગત વિસ્તારોમાં આવતા સંસદીય ક્ષેત્રના સાંસદો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. જેમાં હાલમાં ચાલતા પ્રોજેક્ટ અને ભવિષ્યના પ્રોજેક્ટ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં છ સાંસદો ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા વિભાગના અધિકારક્ષેત્ર ધરાવતા સાંસદોની સાથે અને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા એક વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની શરૂઆતમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે સાંસદોને વડોદરા વિભાગમાં હાલમાં ચાલી રહેલા અને ભાવિ પ્રોજેક્ટ્‌સ વિશે માહિતગાર કર્યા હતા. બેઠકમાં સાંસદ દર્શના જરદોશની અધ્યક્ષતામાં મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, દેવુસિંહ ચૌહાણ, મિતેશ પટેલ, નારણ રાઠવા અને દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.ડિવિઝનલ રેલવે મેનેજર દેવેન્દ્રકુમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિભાગની પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું હતું. સાંસદોએ મુસાફરોની સુવિધાઓ, રેલવે પ્રોજેકટ વગેરેથી સંબંધિત મુદ્‌ાઓની ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન પશ્ચિમ રેલવેના મુખય મથકના અધિકારીઓ અને વિભાગીય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.