વડોદરા : મકરપુરા જીઆઈડીસીમાં આવેલી સાબર ઈન્સ્યુલેટીંગ કીટ સેન્ટર નામની કંપનીમાં ગત ૨૦૧૯માં એક કર્મચારીને ફરજ દરમિયાન ઈજા પહોંચી હતી. આ બનાવની તપાસના બહાને ગત ૧૫મી તારીખના બપોરે રેનોલ્ટ કારમાં આવેલા ચાર લુખ્ખા તત્વો કંપનીમાં ગેરકાયદે ઘુસી ગયા હતા. તેઓએ કંપનીના મેનેજરને સયાજી સાપ્તાહિકના પત્રકારો તરીકે ઓળખ આપીને તમે ગેરકાયદે કંપની ચલાવો છે અને તમારા સમાચારો છાપી તેમજ ઈન્ટરવ્યુ ટીવીમાં બતાવીને બદનામ કરવાની ધમકી આાપી હતી અને તેમ ના કરવું હોય તો એક લાખની ખંડણીની માગણી કરી હતી. જાેકે ચારેય લુખ્ખાઓને કંપની મેનેજર કે કર્મચારીઓએ દાદ નહી આપતા તેઓએ કર્મચારી પર હુમલો કર્યો હતો અને તેઓને ધમકી આપી કારમાં ફરાર થયા હતા. આ બનાવની માંજલપુર પોલીસ મથકમાં કંપનીના મેનેજરે ફરિયાદ નોંધાતા જ પોલીસે કારનંબરના આધારે તપાસ કરી હતી અને આ બનાવમાં સંડોવાયેલા ચાર લુખ્ખાતત્વો અનવર ઉર્ફ મુન્નો અશરફ શેખ (સ્લમક્વાટર્સ, કમાટીપુરા,ફતેગંજ), દિપક ચંદ્રકાન્ત કંદોઈ (હુજરાતટેકરા, ફતેપુરા), જીતેન્દ્ર સુરેન્દ્ર મિસ્ત્રી (વાડી,હનુમાનપોળ) અને હિતેશ ભોગીલાલ પ્રજાપતિ (વાડી, હનુમાનપોળ)ની આજે કોરોના ટેસ્ટની તજવીજ બાદ ધરપકડ કરી હતી.

આ ચારેય આરોપીઓની ઓળખપરેડ થતાં કંપની મેનેજરે ચારેયને ઓળખી બતાવ્યા હતા. આ પૈકીનો દિપક કંદોઈ અગાઉ પણ નવાપુરા પોલીસ મથકમાં ધાકધમકીના તેમજ પાણીગેટ પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારના ગુનામાં સંડોવાયેલા હોવાની વિગતો મળી હતી. પોલીસે ઉક્ત ખંડણીખોરોએ ગુનામાં ઉપયોગમાં લીધેલી રેનોલ્ટ કાર જપ્ત કરી આ ટોળકીએ આ સિવાય અન્ય કેટલા સ્થળે આ રીતે ખંડણી ઉઘરાવી છે તે દિશામાં તપાસ કરી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.