વડોદરા, તા. ૧૫

વેલેન્ટાઈન ડેના દિવસે વડોદરાના યુવાધનને માદકદ્રવ્યના રવાડે ચઢાવીને નર્કાગારમાં ધકેલાવનો પ્રયાસ કરના પંજાબના બે રહીશોને જિલ્લા એસઓજીની ટીમે માદકદ્રવ્ય હેરાઈન સાથે રંગે હાથ ઝડપી પાડી તેઓની પાસેથી ૧.૫૧ લાખથી વધુની મત્તા જપ્ત કરી હતી.

ગઈ કાલે વેલેન્ટાઈન ડે નિમિત્તે જિલ્લા પોલીસની એસઓજી ટીમે હાીવે પર વાહનચેકીંગની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે દુમાડ ગામની સીમમાં શંકાસ્પદ હાલતમાં યામાહા આર-૧૫ બાઈક પર ડબલસવારીમાં પસાર થઈ રહેલા પરપ્રાંતીય જેવા લાગતા બે વ્યકિતઓની અટકાયત કરી તેઓની અંગજડતી કરી હતી. આ દરમિયાન તેઓની પાસેથી ૩૬,૫૦૦ની કિંમતનું કિંમતી ડ્રગ્સ બેઝીક આલ્કેલોઈડ (હેરોઈન) મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે માદકદ્રવ્ય સાથે ઝડપાયેલા સતનામસીંગ નરનજનસીંગ સંધુ –જાટ (મુળ રહે. વલટોહા ગામ, જિ.તરનતારણ, પંજાબ હાલ રહેત નંદેસરી જગદંબા ચોકડી અમૃતસરી હોટલમાં) અને ૪૩ વર્ષીય સુરજીતસીંગ સહેલસીંગ સોવંતે (મુળ રહે મહેમા પંડોરીગામ, અમૃતસર, પંજાબ હાલ રહેત એકતાનગર, છાણી જકાતનાકા)ની અટકાયત કરી તેઓની પાસેથી હેરોઈન તેમજ બે મોબાઈલ ફોન, રોકડા ૫૨૦૦ રૂપિયા અને બાઈક સહિત ૧,૫૧,૭૦૦ની મત્તા કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે આ બંને પંજાબી યુવકો માદકદ્રવ્ય ખરીદ વેચાણનું નેટવર્ક ચલાવે છે અને માદકદ્રવ્યો માટે ‘ચટ્ટા’, ‘સામાન’ જેવા કોડવર્ડનો ઉપયોગ કરી કારોબાર કરતા હતા. આ આરોપીઓ પોતાના નિયમિત બંધાઈઓ મારફતે નવયુવાનોને માદક દ્રવ્યોનો જથ્થો પહોંચાડી નવયુવાનોને નશાના બંધાણી બનાવતા હતા. આ બંને પૈકી સુરજીતસીંગ ‘અંકલજી’ તરીકે પ્રખ્યાત છે અને જે બંધાણીને ડ્રગ્સની જરૂર પડે તો તે અંકલજીનો સંપર્ક કરી મંગાવતો હતા. ૧૪મી તારીખે વેલેન્ટાઈન ડેના દિવસે યુવાનો વધુ નશો કરે તે માટે તેઓએ થોડા દિવસ અગાઉથી જ પંજાબ ખાતેથી માદક દ્રવ્યનો જથ્થો લાવેલા હતા. તેઓની સાથે સમા વિસ્તારની જય યોગેશ્વર નગરમાં રહેતા અમૃતસરી હોટલના માલિક પરગટસીંઘ અજાયબસીંગ બરથની પણ સંડોવણી હોવાની વિગતો મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.