પાલિકાના બે અધિકારીઓ સામે ફોજદારી કેસ બાદ ધરપકડ

વડોદરા, તા.૧૨

રાજ્યમાં ભાજપા સરકારને પાંચ વર્ષ પુરા થતા રાજ્યકક્ષાએ કરાયેલા સુશાસન દિનની ઉજવણીમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા ૩૮૨ ગરીબ આવાસ યોજનાનો ડ્રો કરી લાભાર્થીઓ માટે ડ્રો કરાયો હતો. આ ડ્રોમાં વિજેતા બનેલા લાભાર્થીઓની યાદી મહાનગર પાલિકાના કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવા અને કોમ્પ્યુટર એક્સપર્ટ નિશિથ પીઠવાએ બદલી નાખતા ચકચાર જાગી છે. આ બનાવમાં બંને અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા તેઓની અટકાયત પણ કરાઈ છે પરંતું તેઓને યાદી બદલવા માટે દબાણ કરનાર શહેરના એક રાજકિય અગ્રણીને બચાવી લેવાયો છે. રાજકિય હિસાબોની પતાવટમાં બે અધિકારીઓની બલિ ચઢાવવાની ઘટનાથી શહેર રાજકારણમાં ફરી ગરમાટો આવ્યો છે અને આ કૈાભાંડમાં જવાબદાર મનાતા રાજકિય અગ્રણી સામે પણ પોલીસ કાર્યવાહી થશે કે કેમ તેની પર સૈાની મીટ મંડાઈ છે.

રાજ્યમાં ભાજપા સરકારના પાંચ વર્ષ પુર્ણ થતા આ નિમિત્તે ગત ૧થી ૯ ઓગસ્ટ સુધી રાજયકક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૈકી ગત ૭મી ઓગસ્ટે વડોદરાના સરસયાજીરાવ નગરગૃહ ખાતે વિકાસ દિનની ઉજવણીનું આયોજન થયું હતું જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય મહાનુભવો વચ્ર્યુઅલી જાેડાયા હતા. જયારે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ ગાંધીનગર હેઠળના કામો પૈકી મનપાના વિવિધ હાઉસીંગ યોજનાના ૧૧૯.૪૫ કરોડના ખાતમુહુર્ત અને લોકાર્પણના કામો લીધા હતા જેમાં નર્મદા,શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલના હસ્તે કુલ ૩૮૨ મકાનોના ડ્રો રાખવામાં આવ્યા હતા.

મકાનોના ડ્રોની કાર્યવાહી એમએસ એક્ષપર્ટ નિશિથ પીઠવાને સોંપાઈ હતી અને ડ્રો થાય એટલે તુરંત જ સ્થળ પર જ વિજેતાઓની યાદીની બે કોપી પ્રિન્ટ કરવાની સુચના અપાઈ હતી. આ પૈકી એક કોપી પર મનપાનો સિક્કો મારી તેને કસ્ટડીમાં રાખવાની અને બીજી કોપી દ્વારા જે તે લાભાર્થી અને અન્યને માહિતી આપવા માટે જણાવ્યું હતું. કોર્પોરેશનના આઈટી વિભાગ દ્વારા ડ્રોનું લીસ્ટ વેબસાઈટ પર અપલોડ થતા જ આ યાદી અલગ હોવાની ફરિયાદો ઉઠતા તેની અધિકારીઓ તપાસ કરી હતી. મુળ ડ્રોનું લીસ્ટ અને અપલોડ કરાયેલી યાદીમાં ફેરફાર હોવાની જાણ થતાં નિશિથ પીઠવાની પુછપરછ કરાઈ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે કાર્યપાલક ઈજનેર (એફોર્ડબલ હાઉસીંગ) પ્રમોદ વસાવાએ મુળ સિક્કાવાળી કોપીના બદલે તેમણે મોબાઈલ પર જે લીસ્ટ મોકલ્યુ છે તે મુજબ નવી યાદી બનાવવા સુચના આપતા તેણે યાદી બનાવી હતી અને તેને પ્રમોદ વસાવાએ સર્ટીફાઈ કર્યું હતું. આ બંને કર્મચારીઓએ ડ્રોના લાભાર્થીઓની યાદી બદલી નાખી નવી યાદી અપલોડ કરી ગંભીર ગુનો આચર્યો હોવાની મનપાના સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિશિથ પીઠવા અને પ્રમોદ વસાવા વિરુધ્ધ બોગસ દસ્તાવેજાે બનાવી, કોર્પોરેશન સાથે વિશ્વાસઘાત અને એકબીજાના મદદગારી કરવાનો ગુનો નોંધી બંનેને નવાપુરા પોલીસ મથકમાં લવાયા હતા.

ઉલ્લેખનીય છે કે શહેરના જ એક રાજકિય અગ્રણીના ઈશારે લાભાર્થીઓની યાદી બદલવામાં આવી હોવાનું તેમજ રાજકિય હિસાબોની પતાવટમાં દબાણ કરીને પોલીસ ફરિયાદ નોંધાવવાનું રાજકિય બેડામાં ચર્ચા છે. આ વિવાદમાં કોર્પોરેશનના બે કર્મચારીઓની બલી ચડી ગઈ છે પરંતું તેની પાછળ જે જવાબદાર છે તે રાજકિય અગ્રણીનો વાળ પણ વાંકો થયો નથી. કોના ઈશારે યાદી બદલવામાં આવી ? અને યાદી બદલવા દબાણ કરનાર રાજકિય અગ્રણી સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ ? તેની પર સૈાની મીટ મંડાઈ છે.

ડ્રોમાં જાહેર થયેલી યાદી અને બીજી યાદીમાં ૪૨નાં નામો અલગ

વડોદરા. રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂરા થતાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત તા.૭મી ઓગસ્ટે વિકાસ દિવસની ઉજવણીમાં સર સયાજી નગરગૃહ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અને અન્યની વચ્ર્યુઅલ ઉપસ્થિતિ તેમજ મંત્રી સહિતની ઉપસ્થિતિમાં વડોદરા કોર્પોરેશન દ્વારા સયાજીપુરા, હરણી, અકોટા, તાંદલજા વગેરે વિસ્તારમાં બનેલા એલઆઈજી, ઈડબ્લ્યુએસ સહિતના ૩૮૨ મકાનોનો કોમ્પ્યૂટરરાઈઝડ ડ્રો કરવામાં આવ્યોહ તો અને ડ્રમાં જેમના નામો આવ્યા તેવા લાભાર્થીઓની યાદી સ્ક્રીન પર જાહેર કરાઈ હતી. જે યાદી વેબસાઈટ પર અને લાભાર્થી નામો જાણે શકે તે માટે કચેરી બહાર ચોંટાડવા સૂચના આપી હતી, પરંતુ તેમ ન કરી બીજી યાદી બનાવી તે યાદી કાર્યપાલક ઈજનેરે સર્ટિફાઈ કરી અપલોડ કરી હતી જે યાદીમાં ૨૨૬ના નામો તો બરાબર હતા, પરંતુ બીજા ૧૫૬ મકાનોની યાદીમાં પ્રથમ યાદી કરતાં બીજી યાદીમાં ૪રના નામો અલગ હોવાનું તેમજ ૧૦ જેટલી વ્યક્તિના ફલોર અને મકાન નંબરો પણ બદલાયેલા હોવાનું જાણવા મળે છે.

કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવાને સસ્પેન્ડ કરવા સ્થાયીમાં દરખાસ્ત કરાશે

વડોદરા. મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં આવાસ યોજનાના મકાનોની યાદી ડ્‌્રો કરીને જાહેર કરાયા બાદ ડ્રો થયેલી યાદી પ્રસિદ્ધ નહીં કરી બીજી યાદી બનાવીને તે યાદી પ્રસિદ્ધ કરવાના પ્રકરણને લઈ પાલિકાવર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ ગેરરીતિના પ્રકરણની ફરિયાદ પણ કોર્પોરેશને નવાપુરા પોલીસ મથકે નોંધાવી છે. ત્યારે કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવાને સસ્પેન્ડ કરવા દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાશે. આવતીકાલે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત વધારાના કામ તરીકે રજૂ કરાય તેવી શક્યતા છે. જ્યારે એમઆઈએસની જગ્યા પર ગત માર્ચ મહિનામાં ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ પર નિયુક્ત કરાયેલ નિશીથ પીઠવાને કોન્ટ્રાકટની મુદત સમાપ્ત કરીને છૂટો કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ર૪ કલાકમાં ડે. કમિશનરે શું ખાતાકીય તપાસ કરી?

વડોદરા. એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા યાદી બદલવા ફાઈલ કેમ ચલાવી ? તેવી ચર્ચાઓ વચ્ચે તા.૧૦મીએ ફાઈલ ચલાવી ટ્રાયલ રન કરેલ જે ફાઈલ ભૂલમાં ચઢી ગઈ અને તેને બદલવા માટે સિટી એન્જિનિયરને ફાઈલ પણ મોકલી હતી, છતાં ફરિયાદ કરાઈ તેવી ચર્ચાઓ થઈ રહી છે. ઉપરાંત ડે.કમિશનરે આ પ્રકરણમાં ર૪ કલાકમાં શું ખાતાકીય તપાસ કરી તેની અટકળો પણ થઈ રહી છે.

કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

વડોદરા. પાલિકાના અધિકારી-કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રોમાં કરેલી ગેરરીતિના મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. નવાપુરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ બંનેની પૂછપરછ હાથ ધરી નિવેદન નોંધાયા હતા. મોડી સાંજે આ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય લેવાતાં હવે ડીસીબી પીઆઈ ખેર દ્વારા બંનેની પૂછપરછ અને નવેસરથી નિવેદન લઈ તપાસ કરવામાં આવશે.

તમામ આવાસ યોજનાની ત૫ાસ કરવા કોંગ્રેસની માંગ

વડોદરા કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમજ અન્ય યોજના હેઠળ બનાવાયેલ આવાસ યોજનાઓમાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર ચાલતો હોવાના આક્ષેપ કરતાં કોંગ્રેસે હાલ ચાલી રહેલ તેમજ અગાઉ તમામ આવાસ યોજનાની તપાસ કરવાની માંગ કરી હતી.

કોર્પોરેશને પહેલી પોતે તપાસ કરીને ફરિયાદ કરાઈ

વડોદરા. મેયર અને સિટી એન્જિનિયરને આવાસ યોજનાની ડ્રો કરેલ અને પ્રસિદ્ધ કરેલ યાદીમાં તફાવત હોવાની રજૂઆત મળ્યા બાદ મેયરે આ અંગે તપાસ કરવાની સૂચના આપી હતી. જેમાં મેયરે કહ્યું હતું કે, તા.૯મીએ માહિતી મળી અને તા.૧૦મીએ સિટી એન્જિનિયરને તપાસ સોંપી હતી અને તપાસમાં બંને લિસ્ટમાં તફાવત જણાતાં કોર્પોરેશનના અધિકારી અને એમઆઈએસને બોલાવીને પૂછપરછ કરી હતી. આમ કોર્પોરેશને પોતે તપાસ કરીને ફરિયાદ કરી છે. કોર્પોરેશનના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત પોતે તેના અધિકારી સામે ત્વરિત ફરિયાદ કરીને પગલાં લીધાં છે.

યાદી ઈરાદાપૂર્વક કે ક્ષતિથી બદલાઈ?

વડોદરા. આવાસ યોજનાના ડ્રોની યાદી કાર્યક્રમમાં ૩૮૨ મકાનોની ફાળવણીના નામે જાહેર કરાયા બાદ પ્રસિદ્ધ કરાયેલી બીજી યાદીમાં કેટલાક નામો બદલાઈ ગયા હતા. પરંતુ પાલિકાની લોબીમાં ચાલતી ચર્ચા મુજબ આવાસોની યાદી ઈરાદાપૂર્વક બદલાઈ કે પછી ક્ષતિથી બદલાઈ તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

મોડી રાત સુધી મથામણ ઃ ભ્રષ્ટાચારી મનશા બહાર આવશે?

પ્રધાનમંત્રી આવાસ યોજના ડ્રો કૌભાંડની પોલીસ ફરિયાદ બાદ પાલિકાની લૉબીમાં તરેહ-તરેહની ચર્ચાઈ ઊઠી છે. જેમાં મેયર, ડે. મેયર, સ્થાયી સમિતિના ચેરમેને ઈન્ચાર્જ સિટી એન્જિનિયરને ફરિયાદ ઉપર સહી કરવા મોડી રાત સુધી સમજાવ્યા હતા, પરંતુ શૈલેષ મિસ્ત્રી તૈયાર નહીં, અંતે મ્યુનિ. કમિશનરે વિભાગના વડા તરીકે તમારે જ ફરિયાદ કરવી પડશે એમ જણાવતાં અંતે મિસ્ત્રી ફરિયાદી બન્યા હતા એમ આંતરિક સૂત્રોએ જણાવ્યું છે. જાે કે, આ મામલાની ખરેખર તપાસ થાય તો કોર્પોરેટરોના નામ બહાર લાવવાના હેતુથી જ ફરિયાદ થઈ હોવાનું મનાય છે અને જાે એમ થશે તો ભ્રષ્ટાચારી મનશા છતી થશે એવી ચર્ચાઓ ચાલી રહી છે.