વડોદરા, તા. ૨૦

પોલીસ અને કોર્પોરેશન સાથેની મિલીભગતના કારણે લાંબા સમયથી દુકાનોના આગળ ફુટપાથ જાણે પોતાની માલિકીનો હોય તેમ ત્યાં સાયકલો અને અન્ય ચીજાે મુકીને ગેરકાયદે દબાણ કરતા વેપારીઓ સામે નવાપુરા પોલીસ મથકના નવનિયુક્ત પીઆઈએ કાર્યવાહી કરી દબાણો દુર કરતા જ વેપારીઓએ પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના સંવેદનશીલ એવા મદનઝાંપા રોડ પર દુકાનદારો દ્વારા લાંબા સમયથી દુકાનોની બહાર આવેલા ફુટપાથ પર સાયકલો તેમજ અન્ય ચીજવસ્તુઓ મુકીને રીતસર ફુટપાથ પર કબજાે કરી દેતા હોઈ રોડની બંને તરફના ફુટપાથનો કોઈ રાહદારી ક્યારેય ઉપયોગ કરી શક્યા નથી. જાેકે પોલીસ અને કોર્પોરેશનના કેટલાક અધિકારીઓના ભ્રષ્ટ્રાચારના કારણે આ દુષણ દુર નહી થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હેરાનગતિ થતી હોઈ હાલમાં નવાપુરા પોલીસ મથકના નવનિયુક્ત પીઆઈ સંદિપ વેકેરિયાએ ગેરકાયદે દબાણો કરતા વેપારીઓને એક માસ અગાઉ નોટીસ આપી હતી જેમાં વેપારીઓએ સહકાર આપવાની પોલીસને ખાત્રી પણ આપી હતી. જાેકે ખાત્રી આપ્યા બાદ પણ ફુટપાથ પર અને રોડ પર ગેરકાયદે દબાણો યથાવત રહેતા પોલીસે વેપારીઓને આ અંગે સુચના આપી હતી જેના પગલે અકળાયેલા એક માથાભારે વેપારીએ પીઆઈ વેકેરિયા સહિતના સ્ટાફ સાથે ઉગ્ર ઘર્ષણ કર્યું હતું. પોલીસ તેને સુચના આપીને રવાના થતાં આ વેપારીએ અન્ય વેપારીઓનું ટોળું ભેગુ કરતા નવાપુરા પોલીસ ફરી મદનઝાંપા રોડ પર દોડી ગઈ હતી. પોલીસને જાેતા વેપારીઓએ પીઆઈ વેકેરિયા પર ગેરવર્તણુંકનો આક્ષેપ કરી હોબાળો મચાવી પોલીસને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતું પોલીસે કોઈ મચક આપી નહોંતી.

ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ આ જ વિસ્તારમાં મદનઝાંપાની બહાર મેઈનરોડ પર મોડી રાત સુધી ગેરકાયદે ચાલતી ચા-નાસ્તાની લારીઓ વાડી પોલીસ મથકની એક મહિલા પીએસઆઈએ દુર કરવાનો પ્રયાસ કરતા માથાભારે વેપારીઓ અને કેટલાક સ્થાનિક રહીશોએ પોલીસ પર હુમલો કરતા ચકચાર મચી હતી. જાેકે આ સ્થળે ફરીથી લારીઓ-ગલ્લા શરૂ થતાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.