વડોદરા, તા. ૨૪

ન્યુવીઆઈપીરોડ પર આવેલા સાંઈદિપનગરમાં રહેતા ચંદ્રશેખર દધીચ નિઝામપુરાની ન્યુઈરા સિનિયર સેકન્ડરી સ્કુલમાં અડેમિનીસ્ટ્રેટર તરીકે ફરજ બજાવે છે. તેમના સ્કુલમાં ટ્રસ્ટી ડો.દેવાંશુ પટેલ અને ડો.ગીતીકા પટેલ છે જેઓ વાઘોડિયાના લીમડા ખાતે આવેલી પારુલ યુનિ. અને પારુલ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. ગત ૨૦૨૨માં તેમની સ્કુલમાં એડમિશનની પ્રક્રિયા ચાલતી હતી તે સમયે તેમનો મયંક પરશુરામ તિવારી (રાંદલધામ સોસાયટી, ચાણક્યપુરી, ન્યુસમારોડ)એ સંપર્ક કર્યો હતો અને પોતાની દિલ્લી ખાતે પીએમઓમાં ડાયરેક્ટર અને વ્યુહાત્મક સલાહકાર તરીકે ઓળખ આપી હતી અને તેના ફેમીલી ફ્રેન્ડના બે પુત્રોને ન્યુઈરામાં એડમીશનની વાત કરી હતી.

મયંકને શાળાના ટ્રસ્ટીઓને મળવાનું કહેતા તેણે પારુલ યુનિ.માં જઈ ડો.ગીતીકાનો સંપર્ક કર્યો હતો અને તેમને પણ પોતે પીએમઓમાં ડાયરેક્ટર સ્ટ્રેટેજીક એડવાઈઝરી તરીકે ઓળખ આપી હતી અને તેમની સાથે એજ્યુકેશનના બાબતે મોટી મોટી વાતો કરી હતી તેમની પાસેથી નાણાં ખંખેરવા માટે મોટી મોટી યોજનાઓ બતાવી હતી. ત્યારબાદ મંયકે ન્યુઈરા સ્કુલમાં આવી સ્કુલના ડાયરેકટર પ્રિયદર્શની કેલકરને મળી તેમને પણ પોતે પીએમઓમાં અધિકારી હોવાની બોગસ ઓળખ આપી હતી.

જાેકે ડો.ગીતીકાને શંકા જતા તેમણે ખાનગી રાહે તપાસ કરાવી હતી જેમાં મયંક તિવારી પીએમઓ ઓફિસમાં ફરજ બજાવતો નથી અને ખોટી ઓળખ આપી ઠગાઈનો પ્રયાસ કરતો હોવાની જાણ થતાં ડો.ગીતીકાની સુચના મુજબ ન્યુઈરા સ્કુલના એડમિન.ચંદ્રશેખરે આ બનાવની વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વોટ્‌સએપ સ્ટેટસમાં અશોકસ્તંભનો સિમ્બોલનો લોગો

દિલ્લી ખાતે પીએમઓમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવતો હોવાની બોગસ ઓળખ આપી ઠગાઈનો પ્રયાસ કરનાર મયંક તિવારી પોતે તેના મોબાઈલમાં વીઆઈપી જેવો ૮૨૩૮૮ ૨૨૭૭૭ નંબર વાપરતો હતો તેમજ પોતાના વોટ્‌સએપ સ્ટેટસમાં તેણે સરકારી અધિકારી હોવાની છાપ ઉભી કરવા માટે અશોકસ્તંભના સિમ્બોલનો લોગો રાખ્યો હતો.