વડોદરા, તા. ૧૧

ફરી એક વાર એક ખાનગી શાળામાં હિંદુ દેવી – દેવતાઓનું અપમાન કરવા બાબતે તેમજ હિંદુ ગ્રંથો અને સંસ્કુતિ પર ખોટા આક્ષેપો લગાડે તેવા શબ્દ પ્રયોગ કરતા બાળકે વાલીને આ બાબતે જણાવતા વાલી દ્વારા બજરંગ દળને બનાવની હકીકત જણાવતા તેઓ આજે શાળામાં જઈને રજૂઆત કરી હતી અને આ પ્રકારનું કૃત્ય ન કરવા માટે જણાવ્યું હતું.

 મકરપુરા વિસ્તારમાં આવેલ ન્યુ ઇરા સ્કૂલમાં શિક્ષિકાએ ધો.૭ના વિદ્યાર્થીઓને હિન્દુ દેવતાઓ વિષે વિવાદિત ટિપ્પણી કર્યાના આક્ષેપ સાથે બજરંગ દળના કાર્યકરો અને વાલીઓએ સ્કૂલમાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સાથે જ શિક્ષિકા સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી જાેકે આ બાબતે ન્યુ ઇરા સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કે.સી. પટેલે જણાવ્યું હતું કે, ધો.૭ના કેટલાક વિદ્યાર્થીઓ એમના વાલીઓ પાસે રજૂઆત લઇને ગયા હશે કે, મેડમ હિન્દુ ધર્મની વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપે છે. આવું બધું ભણાવે છે. મેડમને પૂછતા તેઓએ અમને કહ્યું હતું કે, મારો કહેવાનો હેતુ આ નથી. મારો કહેવાનો હેતુ એવો છે કે, ભગવાનની મૂર્તિમાં પથ્થરની મૂર્તિ છે. આપણે મહેનત કરીશું તો જ આગળ વધી શકીશું. ભગવાનની મૂર્તિની સામે બાધા રાખવાથી આપણે ભણી શકીએ નહીં. સારું જીવન બનાવી શકીએ નહીં. તે સિવાય જણાવ્યુ હતું કે, મેડમની આ વાતની વિદ્યાર્થીઓના માનસ પર અવળી અસર પડી હોય તેવું મને લાગે છે. વાલીની અરજી આવ્યા પછી અમારું સ્કૂલ મંડળ જે સાચુ હશે તેના વિષે યોગ્ય ર્નિણય લઇને મેડમની ભૂલ હશે તો તેમની સામે પગલા લઇશું. વિદ્યાર્થીની ગેરસમજ હશે તો અમે તેમના સુધી સાચી વાત પહોંચાડીશું તેમ જણાવ્યું હતું.

મેં આવી કોઇ વાત કરી નથી ઃ શિક્ષિકા

આ મામલે શિક્ષિકાએ મીડિયાને જણાવ્યું હતું કે, મને કશું ખબર નહોતી. હું નીચે આવી ત્યારે શિક્ષકોએ કહ્યું કે, આવું કશું બન્યું છે. હું ક્લાસમાં ભણાવતી હતી કે, ત્યારે કેટલાક છોકરાઓ ધમાલ-મસ્તી કરતા હતા. જેથી મેં જાેરથી બોલીને સમજાવ્યા હતા. મેં આવી કોઈ વાત કરી જ નથી.

વિદ્યાના ધામમાં દેવી-દેવતાનું અપમાન શરમજનક

બજરંગ દળ તરસાલી પ્રખરના સંયોજક કિષ્ના ઉદેસિંહે જણાવ્યું હતું કે, આજે ન્યુ ઈરા સ્કુલના એક શિક્ષિકા જેઓ સાતમા ઘોરણના વિદ્યાર્થીઓ સમક્ષ હિન્દુ દેવી-દેવતાઓ, હિન્દુ ગ્રંથો શ્રીમદભાગવત ગીતા વિશે અપમાનજનક ટીપ્પણી કરે છે. આ બાબતની જાણ થતા અમે શાળાના વિદ્યાર્થીઓને પણ પુછ્યું હતુ જેથી તેઓએ હા પાડી હતી જેમાં અને મે સ્કૂલમાં અરજી આપી હતી જેથી શાળાના સંચાલકો યોગ્ય પગલાં ભરવા બાબતે બાંહેધરી લીધી હતી.