બનાસકાંઠા-

અમીરગઢ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મુલાકાતે ગયેલા શિક્ષણ અધિકારીએ તપાસ કરી હતી. જેમાં સ્વચ્છતાથી માંડી દૈનિક રોજનીશી અને ગેરહાજરી સહિત અનેક ક્ષતિઓ મળી આવી હતી. આથી પ્રાથમિક શિક્ષણાધિકારીએ એકસાથે 14 આચાર્ય-શિક્ષકને કારણદર્શક નોટીસ ફટકારી ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો છે. આ સાથે સમયમર્યાદામાં આધારા પુરાવા સાથે જવાબ રજૂ નહી થાય તો યોગ્ય નિર્ણય કરવાની તૈયારી બતાવી છે.

જેના પગલે તાલુકા શિક્ષણ આલમમાં હડકંપ મચી ગયો છે. બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકામાં ગઇકાલે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતની ટીમ મુલાકાતે પહોંચી હતી. આ દરમ્યાન શકરાવેરી, પાલડી, વેરા, બાલુન્દ્રા અને ધનપુરા(ક) પ્રાથમિક શાળાઓમાં ક્ષતિઓ અને અનિયમિતતા ધ્યાને આવી હતી. કેટલાક કિસ્સામાં આચાર્યની ગેરહાજરી, મોડા આવ્યા છતાં સમય વહેલો બતાવ્યો, શાળા બંધ છતાં ખુલી બતાવી, ઘરે શીખીએનું સાહિત્ય બાળકોને પહોંચાડ્યુ નથી, દૈનિક રોજનીશી લખવાનો અભાવ સહિતની બાબતો સામે આવી હતી. આથી 4 આચાર્ય, 9 ઉચ્ચતર શિક્ષક અને જવાબદારીના ભાગરૂપે સી.આર.સીને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, શકરાવેરીના એકસાથે 5 અને પાલડી પ્રાથમિક શાળાના 4 શિક્ષકોની અનિયમિતતા માલૂમ પડતાં બંને શાળાનો શૈક્ષણિક વહીવટ ગંભીર સવાલો વચ્ચે આવ્યો છે. આ સાથે વેરા અને ધનપુરા(ક) પ્રાથમિક શાળાના 2-2 શિક્ષકોની પણ ક્ષતિ મળી આવતાં ખુલાસો પુછવામાં આવ્યો છે.ઓચિંતી તપાસમાં મોટાભાગની શાળામાં સ્વચ્છતાની ખામી મળી આવતાં કોરોના મહામારી છતાં બેદરકારી છતી થઇ છે. આથી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કેળવણી બાબતના નિયમો 1949ના નિયમ 70ની જોગવાઇ મુજબ શિસ્ત અને અપીલને ધ્યાને લઇ શિક્ષા કેમ ન કરવી તે બાબતે જવાબ માંગ્યો છે.