બનાસકાંઠા-

ગુજરાત સરકાર ની ગાઈડલાઈન મુજબ આજથી ગુજરાત રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે, બનાસકાંઠા જિલ્લામાં પણ આજે 569 જેટલી ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજથી શરૂ થયેલી શાળાઓના ભાગરૂપે ગત રોજ તમામ શાળાઓને સેનિટાઈઝ કરવામાં આવી હતી, આજે શરૂ થતી શાળાઓમાં સંચાલક મંડળ દ્વારા તમામ પ્રકારની તકેદારીના ભાગરૂપે તૈયારીઓ કર્યા બાદ આજથી શાળાઓ શરૂ કરવામાં આવી હતી.

કોરોના મહામારીમાં 10 મહિના જેટલા સમય સુધી વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ લેવામાં આવતું હતું, જે બાદ સરકારે આજે ધોરણ 10 અને 12ના ક્લાસ શરૂ કરવા માટે જાહેરાત કરી હતી, જેથી આજે 10 મહિના બાદ બનાસકાંઠા જિલ્લાની ધોરણ 10 અને 12ની તમામ શાળાઓ શરૂ થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં 569 જેટલી શાળાઓ આવેલી છે અને આ શાળાઓમાં 72000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં અભ્યાસ કરે છે, ત્યારે આજે વહેલી સવારથી જ તમામ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે શાળા પર પહોંચી ગયા હતા, શાળા સંચાલક મંડળ દ્વારા પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તમામ વિદ્યાર્થીઓનું ફરજિયાત ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ શાળામાં પ્રવેશ કર્યા બાદ વિદ્યાર્થીઓનું સંક્રમણ વધે નહીં તે માટે શાળા રૂમમાં તમામ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા. આમ બનાસકાંઠા જિલ્લાની તમામ શાળાઓને આજે પ્રથમ દિવસે કોરોના મહામારીના કારણે તમામ પ્રકારની તકેદારી રાખ્યા બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.