બનાસકાંઠા-

જિલ્લામાં એક તરફ કોરોના વાઇરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના લોકો જાણે કોરોના વાઇરસની ગંભીરતાને ભૂલી ગયા હોય તેમ રોજબરોજ એક પછી એક ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકોને જાણે કોરોના વાઇરસથી કંઈ લેવાદેવા જ ના હોય તેમ ક્યાંક સરકારની ગાઇડ લાઇન વગર ગરબાનું આયોજન કરી રહ્યા છે, તો ક્યાંક લોકડાયરાનું આયોજન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં થોડા દિવસ અગાઉ જ ગુજરાતની લોકગાયિકા કાજલ મહેરીયા પર ગરબામાં સરકારની ગાઇડ લાઇનનો ભંગ કરતા ફરિયાદ દાખલ થઇ હતી. જે બાદ ફરી એકવાર થરાદ ખાતે લોકડાયરાનું આયોજન કરતા લોકોએ મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. ત્યારે ચોક્કસ કહી શકાય કે, બનાસકાંઠા જિલ્લાના લોકોને જાણે કોરોના વાઇરસથી કંઈ લેવા દેવા જ ન હોય તેમ મોટા મોટા ડાયરા અને ગરબાનું આયોજન કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં કલાકારો અને લોકોની ભૂલોના કારણે કોરોના વાઇરસની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. કોરોના વાઇરસની મહામારી સમય સરકાર રોજેરોજ લોકોને સુરક્ષિત રહેવા માટે જાહેરાતો કરી રહી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના લોકોને જાણે સરકાર અને કોરોના વાઇરસથી કંઈ લેવાદેવા જ ન હોય તેમ ભીડ એકત્રિત કરી રહ્યા છે. ત્યારે સતત વધતા જતા કોરોના વાઇરસના કેસ અટકાવવા માટે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, તો જ આગામી સમયમાં વધતા જતા કોરોનાના કેસ ઉપર અંકુશ મેળવી શકાશે. કલાકારો કોરોના મહામારીના સમયમાં લોકોમાં જાગૃતિ લાવવાના બદલે ખુદ બેફીકર બની સરકારી ગાઇડ લાઇનનો ભંગ કરી રહ્યા છે. તેવામાં આવા કલાકારો સામે પણ કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગણી છે.