વડોદરા, તા.૧૮ 

બરોડા ક્રિકેટ એસોસિયેશનની આગામી તા.૨૩મીએ યોજાનાર ઓનલાઈન એજીએમ પૂર્વે પ્રમુખ પ્રણવ અમીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને સિનિયર, જુનિયર સહિતની પસંદગી સમિતિ બદલી નાખવામાં આવી છે. જાે કે, નવી પસંદગી સમિતિ તા.૧લી ઓગસ્ટથી કાર્યરત થશે તેમ જાણવા મળે છે. નવી કમિટીમાં રોયલ જૂથમાં નજીકના મનાતા કેટલાકને સ્થાન આપવામાં આવ્યા છે. જાે કે, રોયલ જૂથના મોટાભાગના સભ્યો એજીએમના સમર્થનમાં હોવાનું જાણવા મળે છે. ગત રણજી સીઝનમાં સિનિયર ટીમમાં કેટલાક પ્લેયરોને ટીમમાં સમાવવા મામલે સિલેકશન કમિટીમાં વિવાદ થયો હતો અને એક સભ્ય ચાલુ બેઠક છોડીને નીકળી ગયા હતા, ત્યારે બીસીએના પ્રમુખે વિવાદ બાદ ત્વરિત તમામ સિલેકશન કમિટી બદલી નાખી નવી કમિટીની રચના કરી હતી. જાે કે, ચોમાસા બાદ ફરી ક્રિકેટિંગ સીઝન શરૂ થશે. બીસીએ દ્વારા તમામ ગ્રૂપમાં પ્રોબેબલ્સની પસંદગી માટે યોયો ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. 

જ્યારે બીજી તરફ પાછલા ચાર વર્ષના પેન્ડિંગ હિસાબો મંજૂર કરવા માટે બીસીએની એજીએમ યોજાનાર છે. કેટલાક સભ્યો એજીએમ યોજવાના નિર્ણયની સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. ત્યારે બીસીએના પ્રમુખે એજીએમ પહેલાં માસ્ટર સ્ટ્રોક મારતાં તમામ પસંદગી સમિતિ બદલી કેટલાક નવા સભ્યોની નિમણૂક કરી છે અને રોયલ જૂથના નજીકના મનાતા કેટલાકને પસંદગી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેને લઈને સત્તાધીશોના નજીકના મનાતા કેટલાક સભ્યોમાં કચવાટ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

જાે કે, નવી નિયુક્ત કરવામાં આવેલી પસંદગી સમિતિમાં સિનિયર માટે અતુલ પંડયા, અભય પાલકર અને પ્રયણ દવેને યથાવત્‌ રહેવા દીધા છે. જ્યારે જુનિયર ટીમની પસંદગી સમિતિના સભ્ય સંજય હઝારેને સિનિયર ટીમની પસંદગી સમિતિમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રવિ દેશમુખની પસંદગી સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે. તો જુનિયર પસંદગી સમિતિમાં કોનોર વિલિયમ્સ, ઉમંગ પટેલ, ઋષિકેશ પરબ, હર્ષદ મોહિતે અને ઈલિયાસ માંજરેની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સબ જુનિયર પસંદગી સમિતિમાં કૃણાલ હઝારે, ઉત્કર્ષ પટેલ, સંતોષ કહાર, રોહન સાળવા અને દિનેશ સાળવીની નિમણૂક કરાઈ હોવાનું જાણવા મળે છે. નવી પસંદગી સમિતિ તા.૧લી ઓગસ્ટથી કાર્યરત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલાં કેટલાંક સમયથી સિનિયર ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તો બીજી તરફ અન્ડર-૧૯ની ટીમે ગત વર્ષે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ચેમ્પીયન બની હતી. હવે નવી પંસદગી સમીતીની રચના કરવામાં આવી છે. ત્યારે નવી પસંદગી સમિતિ દ્વારા શ્રેષ્ઠ ટીમ પસંદ કરી વડોદરાની ટીમ ફરી એકવાર બેસ્ટ પર્ફોર્મન્સ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ચોક્કસ એકેડેમીના સંચાલકોને ફટકો

બીસીએની તમામ ગ્રૂપની પસંદગી સમિતિ બદલવામાં આવી છે ત્યારે વહાલાદવલાની નીતિ બંધ થશે અને ચોક્કસ એકેડેમીના સંચાલકોને ફટકો પડશે. આ ઉપરાંત મુંબઈથી ઓપરેટ કરતી ટોળકીને આ લપડાક હોવાની ચર્ચા બીસીએમાં થઈ રહી છે.

પ્રમુખના નિર્ણયથી સંજય પટેલ એકલા પડશે?

બીસીએના પ્રમુખ પ્રણવ અમીને એજીએમ પૂર્વે સિલેકશન કમિટી બદલી નાખવાનો નિર્ણય લીધો છે. તેમાં રોયલ જૂથના નજીકના મનાતા કેટલાક પૂર્વ ક્રિકેટરોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે રોયલ જૂથના મોટાભાગના સભ્યો એજીએમની તરફેણમાં છે ત્યારે પ્રમુખના નિર્ણયથી સભ્યપદેથી દૂર કરાયેલા સંજય પટેલ એકલા પડી જશે તેવી ચર્ચા બીસીએ વર્તુળોમાં થઈ રહી છે.