નડિયાદ : નડિયાદના કૂખ્યાત ભૂમાફિયા ભાનુ ભરવાડનું વધુ એક પ્રકરણ પોલીસ ચોપડે નોંધાયું છે. મરીડા ગામની ગૌચર જમીન અને વાલ્લા ગામની ખાનગી જમીનમાંથી માટી ચોરી પ્રકરણમાં આખરે ભાનુ ભરવાડ સામે પાંચ વર્ષે ફરિયાદ નોંધાઈ છે. ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવતાં નડિયાદ ગ્રામ્ય પોલીસે રૂ.૮૮.૬૦ લાખની માટી ચોરી સંદર્ભે ગુનો નોંધ્યો છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ૧૭ જાન્યુઆરી, ૨૦૧૫ની જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મહુધાના તત્કાલિન ધારાસભ્ય નટવરસિંહ ઠાકોરે ભાનુ ભરવાડ સામે માટી ચોરી કરાતી હોવાની ફરિયાદ ઊઠાવી હતી. તેઓએ મરીડા તથા વાલ્લા ગામે મોટા પાયે માટી ચોરી થઇ હોવાના આક્ષેપ કર્યાં હતાં. આ ફરિયાદ આધારે જિલ્લા કલેક્ટરે તપાસનો આદેશ કર્યો હતો. ૩૦ જાન્યુઆરી,૨૦૧૫ના રોજ ખોદકામ થયું હતું એ વિસ્તારમાં ડીઆઇએલઆર, મરીડા સરપંચ, તલાટી, વાલ્લાના સરપંચ અને તલાટીની હાજરીમાં માપણી કરવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નડિયાદના ભૂમાફિયા ભાનુ ભરવાડે ૨૦ જાન્યુઆરી, ૨૦૧૫ના મરીડા ગામની સીમમાં આવેલી સરકારી જમીનમાંથી ૮૮,૬૮૨.૨૭ મેટ્રીક ટન અને ગૌચર જમીનમાંથી ૩,૫૨૨.૯૮ મેટ્રીક ટન માટીની ચોરી કરી હતી. વાલ્લા ગામમાં ખાનગી જમીનમાંથી ૪૨,૦૪૦.૩૪ મેટ્રીક ટન મળી કુલ ૧,૩૪,૨૪૭ મેટ્રીક ટન સાદી માટીની ચોરી કરી હતી. સરકારી ચોપડે એક ટનની કિંમત રૂ.૬૦ આંકતાં કુલ રૂ.૮૦,૫૪,૮૨૦ની માટી ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. આ સંદર્ભે ખાન ખનીજ વિભાગ દ્વારા ભાનુ જાેધાભાઈ ભરવાડ (રહે. બિલોદરા ચોકડી)ને નોટિસ ફટકારી સર્વિસ ચાર્જ લેખે કુલ રૂ.૮૦,૬૦,૩૦૨ ભરવા જણાવાયું હતું. ભાનુએ નોટિસનો જવાબ આપ્યો હતો, જેને માન્ય રાખવામાં આવ્યો ન હતો. ભાનુને ફરી ૨૮ જુલાઇ, ૨૦૧૫ના રોજ કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી હતી. તેનો જવાબ પણ વિભાગે ગ્રાહ્ય રાખ્યો ન હતો. આખરે બીજી માર્ચ, ૨૦૧૬ના રૂબરૂ સુનાવણી કરી ફરી લેખીત જવાબ રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. જાેકે, તેમાં પણ સરકારી વિભાગને ખોટી દિશા દેખાડવાની કોશિશ કરવામાં આવી હતી. ભાનુ ખોદકામ માટેની પરવાનગી વગેરે આધારો રજૂ કરી શક્યો ન હતો. આખરે ૧૭ ઓક્ટોબર,૨૦૧૬ના રોજ ૮૮.૬૦ લાખ વસૂલાત કરવા હુકમ કરાયો હતો. આ હુકમ સામે તેણે અધિક નિયામકમાં ૨૫ મે, ૨૦૧૭ના રોજ અપીલ દાખલ કરી હતી. મરીડા અને વાલ્લામાં ૧.૩૪ લાખ ટન બિનઅધિકૃત માટી ચોરી પ્રકરણમાં અધિક નિયામકના આદેશ બાદ કુલ રૂ.૮૮,૬૦,૩૦૨ ભરપાઇ કરવા ૬ ફેબ્રુઆરી,૨૦૨૦થી ભાનુ ભરવાડને તાકીદ કરવામાં આવી હતી. જાેકે, તે આ આદેશને પણ ઘોળીને પી ગયો હતો. પરિણામે આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.