ભાવનગર-

પ્લાસ્ટિકની બોટલોના ઉપયોગથી ડૉ. તેજસ દોશી મહાનગરપાલિકા કમિશનરના સહયોગથી ઇકો બ્રિક્સ પાર્ક બનાવી રહ્યા છે. અકવાડા લેક પાસેની ફાઝલ જમીનમાં ઇકો પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. સોડા, ફીનાઈલ જેવી પ્લાસ્ટિકની બોટલ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પાર્ક બનાવવાની યોજના કરવામાં આવી રહી છે. ભાવનગર અકવાડા લેકની બાજુની ફાઝલ જગ્યા પર ઇકો બ્રિક્સ પાર્ક બનાવવા માટે ડો તેજસ દોશી આગળ આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાનાં કમિશ્નર એમ એ ગાંધી અને બીએમસી એક્ઝિક્યુટિવ એન્જીનીયર વિજય પંડિત ઇકો બ્રિક્સ પાર્કમાં રસ દાખવી રહ્યા છે.

જેમાં સોડાની પ્લાસ્ટિકની બોટલનો ખાસ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ બોટલો મારફત વૃક્ષને ફરતું ચક્ર બનાવવામાં આવી રહ્યું છે સાથે જ અહિંના રસ્તાઓ બનાવવામાં પણ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે એક્યુપ્રેશર થેરાપી તરીકે પણ લાભદાયી નિવડશે. ઇકો બ્રિક્સ પાર્કમાં માત્ર પ્લાસ્ટિકની સોડા, ફીનાઇલ તેમજ એસિડની વપરાયેલી બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડો તેજસ દોશી અને મહાનગરપાલિકાએ આવી એકત્ર કરેલી બોટલોમાં પ્લાસ્ટિકનાં ઝબલા, દૂધની કોથળી જેવાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને ઠાંસીને ભરવામાં આવે છે અને તેની ઘટ આવે તો તો તેમાં રેતી ભરીને તેમાંથી વૃક્ષ ફરતા ચક્ર અને ચાલવાનો પથ બનાવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાર્કનું કામ કમિશનર અને એન્જીનીયરના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.