મુંબઈ 

બીગબેશ લીગની નવી સીઝન આજથી શરૂ થઈ રહી છે પરંતુ કોવિડ-19 મહામારીને કારણે અનેક મોટા ખેલાડીઓએ પહેલાં સ્વીકૃતિ આપ્યા છતાં ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. બીગબેશ હંમેશા મોટા નામને કારણે લોકોમાં આકર્ષિત રહે છે. ટૂર્નામેન્ટની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર ત્રણ વિદેશી ખેલાડીઓને રમાડવાની છૂટ હોય છે. ટૂર્નામેન્ટમાં દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે આવ્યા છે પરંતુ આ વર્ષે અનેક ઈન્ટરનેશનલ ખેલાડીઓએ પોતાનું નામ પરત ખેંચ્યું છે. અમુકે બબલથી થનારા થાકને કારણે તો અમુકે આંતરરાષ્ટ્રીય ટીમમાં વ્યસ્ત હોવાને કારણે નહીં રમવાનો નિર્ણય લીધો છે.

આ યાદીમાં સૌથી પહેલું નામ ઈંગ્લેન્ડના ખેલાડી જોની બેરિસ્ટોનું આવે છે. બેરિસ્ટો મેલબર્ન સ્ટાર્સ તરફથી રમે છે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત હોવાને કારણે તેને પોતાનું નામ પાછું ખેંચ્યું છે. આ પછી ઈંગ્લેન્ડના ટોમ બેન્ટને બાયો બબલના થાકને કારણે પોતાનું નામ પરત લઈ લીધું છે. ટોમ બેન્ટન બીગબેશ લીગમાં બ્રિસ્બેન હિટ તરફથી રમે છે. બેન્ટન આઈપીએલમાં કોલકત્તા વતી રમ્યો હતો.

ઈંગ્લેન્ડનોટોમ કુર્રન પણ બાયો બબલને કારણે બીગબેશ રમવાનો નથી. કરન આ વખતે સિડની સિક્સર્સનો હિસ્સો હતો. તે આ વર્ષે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો.ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટસમેન સ્ટિવ સ્મિથે પણ બાયો બબલના થાકને કારણ બનાવીને લીગમાંથી નામ કમી કરાવી નાખ્યું છે. સ્મિથ બીબીએલમાં સિડની સિક્સર્સ ટીમનો હિસ્સો છે. સ્મિથ પણ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. જો કે અત્યારે તે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટેની તૈયારી કરી રહ્યો છે.