સુરત, ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા માંડવી પાલિકા પર કબ્જાે કર્યો છે. બારડોલી, માંડવી અને કડોદરા નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. જેથી કાર્યકરોએ જીતનું જશ્ન મનાવ્યું હતું. ભાજપના વિજેતા ઉમેદવારોને લોકોએ ખભે બેસાડી જીતનું જશ્ન મનાવ્યું હતું. મતગણતરી સ્થળ પર જ ભાજપના કાર્યકરોએ ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્‌યાં હતાં. વિજયોત્સવમાં કાર્યકરો અને નેતાઓ પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમોને નેવે મૂકીને નાચતા અને ફોટો સેશન કરાવતાં જાેવા મળ્યાં હતાં. બારડોલી નગરપાલિકામાં વોર્ડ નંબર છમાં કોંગ્રેસના ૩ અને અપક્ષનો એક સભ્ય વિજય થયો હતો. જ્યારે બાકીના ભાજપના ઉમેદવારો વિજય થયા હતાં. કોંગ્રેસના સૂપડાં સાફ કરી દેતું પરિણામ બારડોલી નગરપાલિકામાં પણ આવ્યું છે. કડોદરા નગરપાલિકાની કુલ ૨૮ બેઠકો પૈકી ૨૭ બેઠકો પર ભાજપના કમળ ખીલી ઉઠ્‌યાં છે. જ્યારે કોંગ્રેસના પંજાનો એક જ પર હાથ પડ્યો હોય તેમ એક સીટ જીતીને નાક બચાવવામાં કોંગ્રેસને સફળતા મળી છે.