કેનબરા

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાના દમદાર પ્રદર્શનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ વનડેમાં બુધવારે ૫ વિકેટે ૩૦૨ રન બનાવ્યા. કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા હાર્દિક પંડ્યાએ ફરી કમાલ કર્યો અને અણનમ ૯૨ રન બનાવ્યા હતા. હાર્દિક સિવાય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી. હાર્દિકે રવિન્દ્ર જાડેજાની સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે ભારત તરફથી ત્રીજી બેસ્ટ પાર્ટનરશિપ પણ કરી હતી.

આ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં છઠ્ઠી વિકેટ માટે ભારતની સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે. હાર્દિક પંડ્યાએ પોતાના વનડે કરિયરની છઠ્ઠી અડધી સદી ૫૫ બોલમાં પૂરી કરી હતી. તેણે હેનરિક્સની ઈનિંગની ૪૪મી ઓવરના બીજા બોલ પર સિંગલ લઈને પોતાના૫૦ રન પૂરા કર્યા હતા. તો જાડેજાએ ૪૩ બોલ પર વનડે કરિયરની પોતાની ૧૩મી અડધી સદી પૂરી કરી હતી.

હાર્દિક અને જાડેજાએ અણનમ ૧૫૦ રન જાેડ્યા જે ભારત માટે વનડેમાં છઠ્ઠી વિકેટ માટે આ ત્રીજી સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે. વર્ષ ૨૦૧૫મા અંબાતી રાયડૂ અને સ્ટુઅર્ટ બિન્નીએ છઠ્ઠી વિકેટ માટે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ૧૬૦ રન જાેડ્યા હતા. જ્યારે એમએસ ધોની અને યુવરાજ સિંહે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ૨૦૦૫મા ૧૫૮ રનની ભાગીદારી કરી હતી.