દિલ્હી-

રાજ્યસભામાં હોબાળાનો ગૃહમાં સાંસદો અને માર્શલો વચ્ચે ધક્કા-મુક્કીની તસવીરો સામે આવી, સરકારના મંત્રીઓએ કહ્યું- વિપક્ષ મગરનાં આંસુ ના વહાવે. ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બુધવારે થયેલા હોબાળા અને ધક્કા-મુક્કી મુદ્દે વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધી સહિત 15 વિપક્ષોએ આ ઘટનાને લોકતંત્રની હત્યા ગણાવી છે, જ્યારે કેન્દ્ર સરકાર આ મુદ્દે ડિફેન્સિવ થઈ ગઈ છે. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે વિશે વિપક્ષ સતત સરકાર પર પ્રહાર કરી રહ્યો છે. આ મુદ્દે ગુરુવારે બપોરે કેન્દ્રીય મંત્રીઓએ પ્રેસ-કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કામમાં રોડા નાખવાનું કામ વિપક્ષે કર્યું છે અને તેથી તેમણે દેશની માફી માગવી જોઈએ. વિપક્ષને મગરનાં આંસુ વહાવાની કોઈ જરૂર નથી. રાજ્યસભામાં બુધવારે સુરક્ષાકર્મીઓ સાથે થયેલા ઘર્ષણને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ આમને-સામને છે. કોંગ્રેસના આરોપો બાદ હવે સાત કેન્દ્રીય મંત્રીઓએ પત્રકાર પરિષદ યોજી પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, ચોમાસુ સત્ર દરમિયાન જે રીતે રસ્તાથી લઈને સંસદ સુધી અરાજકતા જોવા મળી છે, વિપક્ષે દેશની માફી માંગવી જોઈએ. આ મંત્રીઓમાં પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહ્લાદ જોશી, અનુરાગ ઠાકુર, ભુપેન્દ્ર યાદવ, અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન સામેલ છે.