દિલ્હી-

છત્તીસગઢના ગાઢ જંગલોમાં છેલ્લા 12 કલાકથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગઢચિરોલીના આબુજમાડ પહાડી વિસ્તાર તરીકે ઓળખાતા જંગાલોમાં આ અથડામણ ચાલી રહી છે અને હવે વાયુસેનાના હેલિકોપ્ટરો થકી વધારાના કમાન્ડોને આ વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, હથિયારધારી નકસલીઓના મોટા જૂથે સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો અને એ પછી બંને પક્ષે અથડામણ શરુ થઈ ગઈ હતી.

આ વિસ્તારથી મહારાષ્ટ્ર બોર્ડર પણ નજીક છે અને એવુ કહેવાઈ રહ્યુ છે કે, પેટ્રોલિંગ કરી રહેલી પાર્ટી પર નક્સલીઓએ પૂર્વઆયોજીત રીતે હુમલો કર્યો હતો. એ પછી 270 પોલીસ કર્મીઓને સહાયતા માટે મોકલવામાં આવ્યા છે. છત્તીસગઢ પોલીસ પણ મદદ કરી રહી છે. જોકે હજી સુધી કોઈ જાનહાની અંગેના અહેવાલ મળ્યા નથી પણ વાયુસેનાના હેલિકોપ્ટરોની મદદ લઈને વધારાના કમાન્ડોને મદદ માટે મોકલવામાં આવી રહ્યા છે તે જોતા એવુ લાગે છે કે, આ અથડામણ ગંભીર સ્વરુપ ધારણ કરી ચુકી છે.