વડોદરા : કિશનવાડી વિસ્તારમાં આવેલા મથુરનગર મોહલ્લાના એક ખંડેર મકાનમાં લાંબા સમયથી ધમધમતા સિલિન્ડરોમાંથી રાંધણ ગેસ ચોરીના કૈાભાંડનો પીસીબીએ પર્દાફાશ કરી કૈાભાંડના મુખ્ય સુત્રધાર તેમજ ટેેમ્પોચાલક અને હેલ્પરો સહિત છ આરોપીઓને ઝડપી પાડી તેઓની પાસેથી રાંધણગેસના ૯૯ સિલિન્ડરો સહિત ૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કિશનવાડી વિસ્તારમાં પારસ સોસાયટી સામે મથુરનગર મોહલ્લામાં રહેતો નિલેશ ઉર્ફ ગપુડી હરિદાસ કહાર ઈન્ડેન કંપનીના ઘરેલુ તેમજ કોર્મશિયલ વપરાશના એલપીજી બોટલો ઈન્ડેન કંપનીના ગોડાઉનથી લઈને ગ્રાહકોને ડિલીવરી કરવા માટે જતા ટેમ્પોચાલકો અને હેલ્પરોને મથુરનગર મોહલ્લાના એક ખંડેર મકાનમાં બોલાવીને સિલિન્ડરોમાંથી જાેખમી રીતે રાંધણગેસની ચોરી કરતો હોવાની પીસીબીના પીઆઈ જે જે પટેલને માહિતી મળી હતી. આ માહિતીના પગલે પીસીબીની ટીમે આજે સવારે ઉક્ત સ્થળે વોચ ગોઠવી હતી અને સિલિન્ડર ભરેલા ટેેમ્પો ખંડેર મકાન પાસે પાર્ક થતા જ પોલીસની ટીમ ત્યાં ત્રાટકી હતી.

પોલીસે ઉક્ત સ્થળે તપાસ કરતા નિલેશ ઉર્ફ ગપુડી સહિતના ટેમ્પોચાલક અને હેલ્પરો ભેગા મળીને રાંધણ ગેસ ભરેલા સિલિન્ડરોનું સીલ તોડી તેમાંથી પાઈપો વડે ખાલી સિલિન્ડરોમાં જાેખમી રીતે ગેસ ભરીને નિર્દોષ ગ્રાહકોના સિલિન્ડરોમાંથી ગેસની ચોરી કરતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે રાંધણ ગેસની ચોરી કરવાના કૈાભાંડમાં નિલેશ ઉર્ફ ગપુડી તેમજ ટેમ્પોચાલક અને ક્લિનરો સહિત છની ધરપકડ કરી હતી.

 પોલીસે આ ગેંગ પાસેથી કોમર્શિયલ અને ઘરેલું રાંધણગેસના ભરેલા, અર્ધા ભરેલા અને ખાલી સહિત કુલ ૯૯ સિલિન્ડરો તેમજ બે ટેમ્પો, વજનકાંટો, ૩ મોબાઈલ ફોન, બે હેન્ગીંગ વજનકાંટા, સિલિન્ડરોને સીલ કરવા માટેના પ્લાસ્ટીકના ૧૦ છુટ્ટા રેપર, ગેસ રિફિલીંગ કરવાની ૪ પાઈપ અને ગેસના ૯૧ બિલો સહિત કુલ ૬,૧૫,૯૬૨ની મત્તા કબજે કરી હતી.

નિલેશ અગાઉ પણ સિલિન્ડરોમાંથી ગેસ ચોરી કરતાં ઝડપાયેલો

પીસીબી પોલીસે આજે રાંધણ ગેસ ચોરીના કૈાભાંડમાં (૧) નિલેશ ઉર્ફ ગપુડી હરીદાસ કહાર – મથુરનગર મોહલ્લો, કિશનવાડી (૨) રાજેન્દ્ર ઉર્ફ રાકેશ રમણ માછી- ગાયત્રીનગર, હરણી-વારસિયારોડ (૩) અનિલ ઉર્ફ ભોલો કાળુ વસાવા – રાજરતનની પોળ, કિશનવાડી (૪) દિપક હિમ્મત બાવીસ્કર –ઝંંડાચોક, કિશનવાડી (૫) સતીષ વિક્રમ સાળુંકે – ઝંડાચોક, કિશનવાડી (૬) જયદિપ ફતેસિંહ પુવાર – બળિયાદેવનગર, વાઘોડિયારોડની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને વિગતો મળી હતી કે કૈાભાંડનો સુત્રધાર નિલેશ અગાઉ પણ ઘરેલુ અને કોર્મશિયલ ગેસ બોટલોમાંથી ગેસની ચોરી કરવાના ગુનામાં ઝડપાયો હતો. જાેકે તેની સામે કડક કાર્યવાહી નહી થતાં તેણે ફરી વેપલો શરૂ કર્યો હતો.

હજારો નિર્દોષ ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

નિલેશ ઉર્ફ ગપુડી અપનાબજાર તેમજ શિવકૃપા ઈન્ડેન ગેસ એજન્સીના ગેસ સપ્લાયર કરતા ટેમ્પોચાલકો સાથે સાંઠગાંઠ કરી કૈાભાંડ ચલાવતો હતો. તેણે ટેમ્પોચાલકોને ખંડેર મકાનમાં બોલાવી ગેસ સિલિન્ડરોના સીલ તોડી નાખી તેમાંથી પાઈપ દ્વારા ગેસ કાઢીને ખાલી સિલિન્ડરોમાં ભરતો હતો. આ રીતે ગેસની ચોરી કરેલા અર્ધા સિલિન્ડરોને તે હોટલ અને લારીધારકોને મોંધા ભાવે બ્લેકમાં વેંચાણ કરી નાણાં પડાવતો હતો અને જે નાણાં મળતા તેનો નિલેશ અને સાગરીતો સરખા ભાવે વહેંચણી કરતા હતા. આ ટોળકીએ અત્યાર સુધી હજારો નિર્દોષ ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

ટોળકી મહિલાઓ- સિનિયર સિટિઝનોને નિશાન બનાવતી

ડેપોમાંથી રાંધણગેસના સિલિન્ડરો ભરીને નીકળતા ટેમ્પોચાલકો અને હેલ્પરો સીલ તોડીને ગેસની ચોરી કર્યા બાદ સિલિન્ડરો પર ફરી સીલ લગાવી દેતા હતા. આવા ઓછા વજનના સિલિન્ડરોની ઓળખ થાય તે માટે ટેમ્પોચાલકો-હેલ્પરો તેની પર ગુપ્ત નિશાની કરતા હતા. ત્યારબાદ તેઓ જે ઘરમાં ગ્રાહક મહિલાઓ એકલી હોય અથવા તો સિનિયર સિટીઝનો હોય અને જેઓ ટેમ્પોચાલક -હેલ્પરો પર વિશ્વાસ મુકીને વજન કરાવ્યા વગર જ સિલિન્ડરો લઈ લેતા હોય તેઓને આવા સિલિન્ડરોની ડિલિવરી કરી દેતા હતા. લાંબા સમયથી તંત્ર આવા કૈાભાંડો પર કાબુ મેળવવામાં નિષ્ક્રીય હોઈ તેનો ભોગ નિર્દોષ ગ્રાહકો બની રહ્યા છે.